Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

નવા મંત્રીઓ સાથે વડાપ્રધાન મોદીએ કામ શરૂ કરી દીધું

કેબિનેટ માં ફેરફાર બાદ વડાપ્રધાન મોદી એક્શનમાં : કેન્દ્રની ગ્રાન્ટ મેળવતી આઈઆઈટી જેવી સંસ્થાઓ સાથે વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી વડાપ્રધાન મોદીએ વાત કરી

નવી દિલ્હી, તા. : કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના બીજા દિવસથી એટલે કે આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા મંત્રીઓ સાથે કામ શરૂ કરી દીધુ. પ્રધાનમંત્રીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી મદ્રાસ, આઈઆઈટી કાનપુર અને આઈઆઈએસસી બેંગ્લુરૂ જેવી કેન્દ્રની ગ્રાન્ટ મેળવતી ટેક્નિકલ સંસ્થાઓના ડાઈરેક્ટર્સ સાથે વાતચીત કરી. વાતચીતમાં નવા શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ સામેલ થયા હતા. સૂત્રોના જણાવ્યાં મુજબ વાતચીત શિક્ષણ સંસ્થાઓમાં વધુ સુધારો સુનિશ્ચિત કરવા માટે પીએમ મોદીના વ્યક્તિગત પ્રયત્નોનો એક ભાગ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાના મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો અને વિસ્તાર કર્યો. વિસ્તરણમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત અનેક રાજ્યોનું વધુ પ્રતિનિધિત્વ જોવા મળ્યું. રાજ્યો ચૂંટણીને લઈને મહત્વના છે. સરકારમાં યુવા પ્રતિભાઓ ઉપરાંત ઓબીસી અને એસસીનું પણ પ્રતિનિધિત્વ વધ્યું છે. કેબિનેટની સરેરાશ આયુમાં પણ ઘટાડો થયો છે. ફેરફાર સંસદના ચોમાસા સત્રના થોડા દિવસ પહેલા કરાયા છે.

કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર બાદ આજે અનેક નવા નિમાયેલા મંત્રીઓએ પોત પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. જેમાં નવા આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા, નવા રેલ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, નવા સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, તથા કાયદા મંત્રી કિરણ રિજિજૂ સામેલ છે. મનસુખ માંડવિયા ફેસ માસ્ક પહેરીને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કાર્યાલયોમાં જોવા મળ્યા હતા ત્યાં પહોંચતા અધિકારીઓએ તેમનું ગુલદસ્તો આપીને સ્વાગત કર્યું. કામકાજ સંભાળતા પહેલા માંડવિયાએ પૂજા કરી. મનસુખ માંડવિયાને પીએમ મોદીએ રસાયણ અને ખાતર મંત્રાલયની જવાબદારી પણ સોંપી છે. કોવિડ-૧૯ની લડતમાં તેઓ એક મહત્વપૂર્ણ સમયે મંત્રાલયનો કાર્યભાર સંભાળશે.

આ ઉપરાંત કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ પોતાનો પદભાર સંભાળ્યો. ઓફિસ પહોંચીને પહેલા તેઓ પાર્ટી અધ્યક્ષ જેપી  નડ્ડાને મળ્યા અને તેમના આશીર્વાદ લીધા. આ સિવાય વિદેશ રાજ્યમંત્રી મિનાક્ષી લેખી, નવા નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, નવા સ્ટીલ મંત્રી આરસીપી સિંહ, નવા પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે.

(7:54 pm IST)