Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- મોંઘવારી મોટો મુદ્દો નથી :સરકારનું ધ્યાન રોજગાર, આર્થિક વૃદ્ધિ પર કેન્દ્રિત

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે હવે સરકારની પ્રાથમિકતા રોજગાર પેદા કરવાનું અને આર્થિક વૃદ્ધિને વેગ આપવાનો છે.

નવી દિલ્હી :નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે મોંઘવારી રેકોર્ડ ઉચ્ચ સ્તરેથી નીચે આવી રહ્યો છે, આ મુદ્દો હવે બહુ મહત્વનો નથી અને હવે સરકારની પ્રાથમિકતા રોજગાર પેદા કરવાનું અને આર્થિક વૃદ્ધિને વેગ આપવાની છે. અહીં ઈન્ડિયા આઈડિયાઝ સમિટમાં બોલતા નાણામંત્રીએ એમ પણ કહ્યું કે રોજગાર સર્જન અને સંપત્તિનું સમાન વિતરણ એ અન્ય ક્ષેત્રો છે, જેના પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમને કહ્યું કે કેટલીક પ્રાથમિકતાઓ છે અને કેટલીક એટલી મહત્વપૂર્ણ નથી. પ્રાથમિકતાઓ નિશ્ચિત રૂપથી નોકરીઓનું સર્જન, સંપત્તિનું સમાન વિતરણ અને દેશ વિકાસના માર્ગ પર આગળ વધે તેની ખાતરી કરવી.

સીતારમણે કહ્યું કે આ સંદર્ભમાં અત્યારે મોંઘવારી પ્રાથમિકતા નથી. તેણે કહ્યું કે આનાથી તમારે હેરાન ન થવું જોઈએ. છેલ્લા કેટલાક મહિનામાં અમે તેને નીચે લાવવામાં સફળ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે આ વર્ષે એપ્રિલમાં રિટેલ મોંઘવારી દર 7.79 ટકાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. ત્યારથી તેમાં સતત ઘટાડો થતો રહ્યો છે.

ઓફિશિયલ આંકડાઓ મુજબ ખાદ્યપદાર્થોના ભાવમાં નરમાઈને કારણે જુલાઈમાં ફુગાવો ઘટીને 6.71 ટકા પર આવી ગયો છે. પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની 6 ટકાની ઉચ્ચ મર્યાદાથી ઉપર તે સતત સાતમા મહિને ઉપર રહ્યો હતો. જૂન 2022માં ગ્રાહક ભાવ સૂચકાંક (સીપીઆઈ) આધારિત છૂટક ફુગાવો 7.01 ટકા હતો.

રિઝર્વ બેંકને રિટેલ ફુગાવો બેથી છ ટકાની વચ્ચે રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. નાણાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમેરિકાના કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ અને યુરોપિયન કેન્દ્રીય બેંક દ્વારા વ્યાજદરમાં તીવ્ર વધારાને કારણે સર્જાયેલી અસ્થિરતાનો સામનો કરશે. તેમણે કહ્યું કે તમામ પડકારો હોવા છતાં અમને વિશ્વાસ છે કે દુનિયાભરની કેન્દ્રીય બેંકો તેમની અર્થવ્યવસ્થાને બચાવવા માટે જે પણ પગલાં લેવા માંગે છે તે લેશે. યુએસ ફેડ અથવા ઈસીબી જે પગલાં લઈ શકે છે આરબીઆઈને તેનો અંદાજ છે અને તેઓ કોઈ ઉતાર ચઢાવ વિના નાણાકીય નીતિને હેન્ડલ કરવામાં વિશ્વાસ ધરાવે છે.

(10:32 pm IST)