Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

પેટ્રોલ-ડીઝલ સસ્‍તા થશે ! ક્રૂડના ભાવમાં મોટો ઘટાડો

આઠ મહિનાના નીચલા સ્‍તરે પહોંચી કિંમત

નવી દિલ્‍હી,તા. ૮ : પેટ્રોલ અને ડીઝલની કિંમત આવનારા દિવસોમાં ઘટી શકે છે. તેનું કારણ એ છે કે, આંતરાષ્ટ્રીય સ્‍તર પર ક્રૂડ ઓઈલની કિંમતમાં ભારે ઘટાડો થયો છે. રશિયાએ ક્રૂડનો સપ્‍લાય રોકી દેવાની ધમકી આપી છે, પરંતુ તેમ છતાં ક્રૂડની કિંમતમાં ઘટાડો થયો છે. ડોલરની કિંમતમાં વધારો અને માગમાં ઘટાડાની આશંકાથી ક્રૂડના ભાવ ઘટ્‍યા છે. યુએસ બેન્‍ચમાર્ક વેસ્‍ટ ટેક્‍સસ ઈન્‍ટરમીડિએટ (WTI) ૮૫ ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયો છે, જયારે કે, ગ્‍લોબલ બ્રેન્‍ટ બેન્‍ચમાર્કની કિંમત ૯૦ ડોલરથી ઓછી રહી ગઈ છે. તે જાન્‍યુઆરી પછી તેનું લઘુત્તમ સ્‍તર છે. તેનાથી આવનારા દિવસોમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો આવી શકે છે.

ડોલર ગેજ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો. મોંઘવારીને કાબુમાં લેવા માટે દુનિયાભરની સેન્‍ટ્રોલ બેંકો વ્‍યાજદરમાં વધારો કરી રહી છે. રોકાણકારોને આશંકા છે કે, દુનિયાના ઘણા દેશ મંદીની ઝપેટમાં આવી શકે છે. ચીનમાં કોરોના મહામારીના પ્રકોપથી બચવા માટે કડક લોકડાઉન લગાવાયું છે. તેનાથી માગ પ્રભાવિત થઈ છે. ઓપેક દેશોએ ઉત્‍પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો. તેનાથી ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થયો હતો. પરંતુ આ વધારો ટકી શક્‍યો નથી. સાઉદી અરેબિયાએ એશિયા અને યુરોપમાં પોતાના કસ્‍ટમર્સ માટે આગામી મહિનાની ખેપની કિંમતમાં ઘટાડો કર્યો છે.

યુક્રેન પર રશિયાના હુમલા પછી આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત ૧૩૯ ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઈ હતી. જે ૨૦૦૮ પછીનું સૌથી ઉચ્‍ચ સ્‍તર હતું. પરંતુ હાલના દિવસોમાં તેમાં ઘટાડો થયો છે. જોકે, ભારતીય બજારમાં ઘણા મહિનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્‍થિર છે. દિલ્‍હીમાં પેટ્રોલનો ભાવ ૯૭.૭૨ રૂપિયા અને ડીઝલનો ભાવ ૮૯.૬૨ રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલ ૧૦૬.૩૧ રૂપિયે લિટર અને ડીઝલ ૯૪.૨૭ રૂપિયે લિટર વેચાઈ રહ્યું છે. જયારે ચેન્નઈમાં પેટ્રોલ ૧૦૨.૬૩ રૂપિયા લિટર અને ડીઝલ ૯૪.૨૪ રૂપિયા લિટરના ભાવે મળી રહ્યું છે. તો કોલકાતામાં પેટ્રોલ ૧૦૬.૦૩ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૯૨.૭૬ રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે.

ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલ ૯૬.૪૦ રૂપિયે લિટર અને ડિઝલ ૯૨.૧૪ રૂપિયે લિટર વેચાઈ રહ્યું છે. જયારે રાજકોટમાં ૯૬.૭૦ રૂપિયે લિટર પેટ્રોલ અને ૯૨.૪૬ રૂપિયે લિટર ડિઝલ વેચાઈ રહ્યું છે. સુરતની વાત કરીએ તો અહીં પેટ્રોલ ૯૬.૪૪ રૂપિયે લિટર અને ડીઝલ ૯૨.૨૦ રૂપિયે લિટર મળી રહ્યું છે. જયારે વડોદરામાં પેટ્રોલ ૯૬.૫૪ રૂપિયે લિટર અને ડીઝલ ૯૨.૨૮ રૂપિયે લિટર વેચાઈ રહ્યું છે. કચ્‍છમાં પેટ્રોલ ૯૭.૪૫ રૂપિયે લિટર અને ડીઝલ ૯૩.૨૦ રૂપિયે લિટર વેચવામાં આવી રહ્યું છે.

(11:42 am IST)