Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ગૃહમંત્રીની સુરક્ષામાં ચૂક ! મંત્રીનો પીએ બનીને નેતાઓની આસપાસ આંટા મારતો યુવક પકડાયો

જયારે દેવેન્‍દ્ર ફડણવીસના નિવાસસ્‍થાન સાગર ખાતે ઈવેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યુ હતું ત્‍યારે એક વ્‍યક્‍તિ તેમની આસપાસ ફરતો જોવા મળ્‍યો હતો : પૂછપરછ કર્યા પછી પોલીસ કેસ દાખલ કરવામાં આવ્‍યો છે

મુંબઇ તા. ૮ : મંગળવારના રોજ મુંબઈ શહેરના મલબાર હિલ વિસ્‍તારની પોલીસે એક ૩૨ વર્ષીય વ્‍યક્‍તિની ધરપકડ કરી છે. આ વ્‍યક્‍તિ ધુલે શહેરનો છે અને દાવો કરી રહ્યો છે કે તે આંધ્રપ્રદેશના એક સાંસદનો પર્સનલ આસિસ્‍ટન્‍ટ છે. દેશના ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ભંગ કરવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મુંબઈના મલબાર હિલ ખાતે દેવેન્‍દ્ર ફડણવીસ સહિત અનેક મોટા નેતાઓ અને હસ્‍તીઓના નિવાસસ્‍થાન છે. આરોપી લાંબા સમય સુધી અમિત શાહ સહિતના નેતાની આસપાર ફરતો રહ્યો હતો.

પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, આરોપીનું નામ હેમંત પવાર છે અને તેની ઉંમર ૩૨ વર્ષ છે. સોમવારના રોજ તે સાગર બંગ્‍લો ખાતે અમિત શાહ સહિત અન્‍ય નેતાઓની આસપાસ ફરતો જોવા મળ્‍યો હતો. ઉલ્લેખનીય છે કે મલબાર હિલ ખાતે મહારાષ્ટ્રના નાયબ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસ સહિત અનેક મોટા નેતાઓના નિવાસસ્‍થાન છે. દેવેન્‍દ્ર ફડણવીસના નિવાસસ્‍થાનનું નામ સાગર છે. નેતાઓની સુરક્ષા માટે પૂરતી વ્‍યવસ્‍થા કરવામાં આવતી હોય છે, તેવામાં આ વ્‍યક્‍તિ ચતુરાઈથી ત્‍યાં પહોંચી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસ માટે મુંબઈ પહોંચ્‍યા હતા. આ દરમિયાન તેમણે લોકપ્રિય લાલબાગચા રાજાના દર્શન કર્યા હતા તેમજ અનેક મુલાકાતોનું પણ આયોજન કર્યુ હતું. સૂત્રોના જણાવ્‍યા અનુસાર એક સીનિયર મંત્રાલય ઓફિસરનું હેમંત પવાર પર ધ્‍યાન ગયુ હતું. તેમણે જોયું કે એક ઈવેન્‍ટ દરમિયાન તે અન્‍ય નેતાઓ સાથે વાતચીત કરી રહ્યો હતો, પરંતુ ઓફિસર તેને ઓળખી નહોતા શક્‍યા.

ઓફિસરને જયારે શંકા થઈ તો તેમણે હેમંત પવારને પોતાની ઓળખ આપવાનું કહ્યું. હેમંતે દાવો કર્યો કે તે આંદ્રપ્રદેશના સાંસદનો પર્સનલ આસિસ્‍ટન્‍ટ છે. પોલીસ ઓફિસર જણાવે છે કે, આરોપી હેમંત પવારે મિનિસ્‍ટ્રી ઓફ હોમ અફેર્સની રિબિન પહેરી હતી, જેના કારણે કોઈને શંકા નહોતી થઈ. અને ત્‍યાં હાજર લોકો અને સ્‍ટાફ પણ તેને ઓળખી નહોતા શક્‍યા.

હેમંત પવારની વાતો ગળે ના ઉતરી તો મંત્રાલયના અધિકારીઓએ મલબાર હિલ પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમણે ફંક્‍શન સમાપ્ત થયાના ૩ જ કલાકમાં હેમંતને શોધી કાઢ્‍યો હતો અને તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્‍યું કે, MHA રિબિન તેને સત્તાવાર રીતે મળી હતી. પોલીસ તેના દાવાઓની પૃષ્ટિ કરવાનો પ્રયત્‍ન કરી રહી છે. IPC સેક્‍શન ૧૭૦ અંતર્ગત હેમંત પવાર વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે. જયારે તેનો કોર્ટમાં હાજર કરવામાં આવ્‍યો તો કોર્ટે પાંચ દિવસની પોલીસ કસ્‍ટડીનો આદેશ આપ્‍યો હતો.

(12:01 pm IST)