Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

કોરોના પછી આ વર્ષે દિવાળી તહેવારોમાં ઉત્સાહની અપેક્ષા

તહેવારી સીઝનમાં બમ્પર ધંધાની આશા સેવી રહ્યા છે વેપારીઓ

મુંબઇ તા. ૮ : ગણેશ ચતુર્થી અને ઓનમ સાથે જ દેશના પશ્ચિમ અને દક્ષિણ ભાગમાં તહેવારી સીઝનની શરૃઆત થઇ ચૂકી છે. કંઝયુમર કંપનીઓ મહામારી પહેલાની સરખામણીમાં વધારે વેચાણની સાક્ષી બની રહી છે.

રીટેઇલરો, ફાસ્ટ મુવીંગ કન્ઝયુમર ગુડસ (ગુફએમસીજી) અને કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓ મહામારી પહેલાના વેચાણ કરતા આ વખતે બે આંકડાના વધારાની આશા રાખી રહ્યા છે કેમકે આ વખતે કોઇ પ્રતિબંધો નથી.

ગ્રામ્ય ભારતમાં સારૃ ચોમાસુ અને શહેરી વિસ્તારોમાં રોજગાર વધ્યો હોવાનું જણાવીને અદાણી વિલ્મરે વેચાણ ૧૫ થી ૨૦ ટકા વધારે થવાની આશા દર્શાવી છે.

અદાણી વિલ્મરના એમડી અને સીઇઓ અંગ્શુ મલ્લિકે કહ્યું 'બે વર્ષની મહામારી પછી લોકો આ વર્ષે મોજમાં છે જેના કારણે આઉટ ઓફ હોમ કન્ઝમ્પ્શન વધી રહ્યું છે. લોકોમાં તહેવારોનો મુડ શરૃ થઇ ગયો છે અને આશા છે કે તે ડિસેમ્બર સુધી જળવાઇ રહેશે.'

તેમણે કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં ઓકટોબરના પહેલા સપ્તાહથી જ સારી માંગ જોવા મળી શકે છે કેમકે ચોમાસુ બહુ સારૃ ગયું છે અને ભારતમાં આ વર્ષે રેકોર્ડ ખરીફ પાકની આશા સેવાઇ રહી છે. આ ઉપરાંત ખાદ્યતેલો પણ ભાવ વધારા પછી હવે ઠંડા પડી રહ્યા છે.

(4:43 pm IST)