Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

યાકૂબ મેમણની કબરનો ‘‘મજાર'' તરીકે વિકાસ, ‘‘ઉદ્ધવ-રાહુલ માફી માગે''

યાકૂબ મેમણની કબર મામલે મહારાષ્‍ટ્રમાં રાજકીય યુદ્ધ છેડાયું ભાજપે રાજ્‍યની પાછલી ઉદ્ધવ ઠાકરે સરકાર પર કબરને ‘‘મજાર''માં ફેરવીને તેનું સૌંદર્યીકરણ કરવાનો આરોપ લગાવ્‍યો : ૧૯૯૩માં પાકિસ્‍તાનના ઈશારે બોમ્‍બ વિસ્‍ફોટો દ્વારા મુંબઈને હચમચાવી નાખનારા આતંકવાદી યાકૂબ મેમણને ૩૦ જુલાઈ ૨૦૧૫ના રોજ નાગપુર સેન્‍ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી

 મુંબઈ, તા. ૮ : વર્ષ ૧૯૯૩માં મુંબઈને હચમચાવી નાખનારા બોમ્‍બ વિસ્‍ફોટોના કેસમાં દોષિત એવા આતંકવાદી યાકૂબ મેમણની કબર મામલે મહારાષ્‍ટ્રમાં રાજકીય યુદ્ધ છેડાયું છે. ભાજપે રાજ્‍યની પાછલી ઉદ્ધવ ઠાકરે સરકાર પર કબરને ‘‘મજાર''માં ફેરવીને તેનું સૌંદર્યીકરણ કરવાનો આરોપ લગાવ્‍યો છે. આ સાથે જ ભાજપે મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં સામેલ રાષ્‍ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની માફીની પણ માગણી કરી છે.

 ભાજપના નેતા રામ કદમે ટ્‍વિટમાં લખ્‍યું હતું કે, ‘‘ઉદ્ધવ ઠાકરે મુખ્‍યમંત્રી હતા. તે સમય દરમિયાન મુંબઈમાં પાકિસ્‍તાનના ઈશારે ૧૯૯૩માં બોમ્‍બ કાંડ કરનારા ખૂંખાર આતંકવાદી યાકૂબ મેમણની કબરને મજારમાં ફેરવી દેવાઈ. આ જ છે એમનો મુંબઈ માટેનો પ્રેમ, આ જ છે એમની દેશભક્‍તિ? ઉદ્ધવ ઠાકરે સહિત શરદ પવાર અને રાહુલ ગાંધી મુંબઈની જનતાની માફી માગે.''

 આ સાથે જ તેમણે ૨ ફોટો પણ શેર કર્યા હતા જેમાં કબર પહેલા કેવી દેખાતી હતી અને હવે કેવી દેખાય છે તેનો ભેદ દર્શાવવામાં આવ્‍યો છે. રામ કદમે શેર કરેલી નવી તસવીરમાં કબરની ફરતે માર્બલ લગાવેલો અને એલઈડી લાઈટ્‍સની સજાવટ જોઈ શકાય છે. 

 ભાજપના નેતાએ આ મામલે આકરી કાર્યવાહી કરવામાં આવશે તેનો પણ સંકેત આપ્‍યો છે. તેમણે એક ઈન્‍ટરવ્‍યુમાં કહ્યું હતું કે, ‘‘બદલાયેલી સરકારમાં આતંકવાદીનું જે સ્‍થાન છે તે બતાવી દેવામાં આવશે.''

 ઉલ્લેખનીય છે કે, યાકૂબ મેમણને ૩૦ જુલાઈ ૨૦૧૫ના રોજ નાગપુર સેન્‍ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તેનો ભાઈ ટાઈગર મેમણ પણ તબક્કાવાર બોમ્‍બ વિસ્‍ફોટ કેસમાં મુખ્‍ય આરોપી છે.

 ફાંસીની સજા બાદ યાકૂબ મેમણની લાશને મુંબઈના બડા કબ્રસ્‍તાનમાં દફનાવવામાં આવી હતી. જામા મસ્‍જિદના ચેરમેને કબરને સજાવવામાં આવી હોવાનું સ્‍વીકાર્યું છે. સાથે જ યાકૂબની કબર માટે અલગથી મંજૂરી ન અપાઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

 આ અંગે જાણ થયા બાદ મુંબઈ પોલીસે ઘટના સ્‍થળે પહોંચીને કબરની આજુબાજુની લાઈટ હટાવી લીધી છે અને તપાસ હાથ ધરી છે. માર્ચમાં શબ-એ-બારાત વખતે યાકૂબની કબર પર લાઈટિંગ કરવામાં આવ્‍યું હોવાનું જણાવવામાં આવ્‍યું હતું.

(4:55 pm IST)