Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ભારતીયો વર્ષમાં ૫૦૦ કરોડથી વધુની એન્‍ટિ-બાયોટિક્‍સ દવાનુ સેવન કરે છે

૨૦૧૯માં ૫૦૭ કરોડ કરતાં વધુ ઍન્‍ટિબાયોટિક દવાઓનુ સેવન થયુ હતુ

નવી દિલ્‍હી, તા.૮: ભારતીયો વધુ પ્રમાણમાં ઍન્‍ટિબાયોટિક્‍સ દવાઓ લે છે. તાજેતરમાં લૅન્‍સેટ રીજનલ હેલ્‍થ-સાઉથ ઈસ્‍ટ એશિયા દ્વારા બહાર પાડવામાં આવેલા રિસર્ચ મુજબ મોટા ભાગની દવાઓને સેન્‍ટ્રલ ડ્રગ રેગ્‍યુલેટર દ્વારા માન્‍યતા પણ નથી મળી. વધારે પડતી આવી દવાઓને કારણે દેશમાં ઍન્‍ટિબાયોટિક રેઝિસ્‍ટન્‍સની સમસ્‍યા પણ જોવા મળે છે. એમાં આવી દવાઓની અસર પણ થતી નથી. કેન્‍દ્ર તેમ જ રાજ્‍ય સરકારની એજન્‍સીઓ વચ્‍ચે સહકારના અભાવે આવી ઍન્‍ટિબાયોટિક્‍સ દવાઓની ઉપલબ્‍ધતા, એના વેચાણ અને વપરાશને લઈને સરખી માહિતીઓ મળતી નથી.

બહાર આવેલા આંકડાઓ મુજબ ૨૦૧૯માં ૫૦૭ કરોડ કરતાં વધુ ઍન્‍ટિબાયોટિક દવાઓનું સેવન થયું હતું, જેમાં ઍઝિથ્રોમાઇસિન નામક દવા સૌથી વધુ ૬૪ કરોડ તો સેફિક્‍સાઇમ નામક દવાની ૫૧ કરોડ ટૅબ્‍લેટ્‍સનું સેવન સામેલ છે. દેશમાં ૪૭.૧ ટકા ફૉર્મ્‍યુલેશનને માન્‍યતા જ મળી નથી. દેશમાં ઍન્‍ટિબાયોટિક્‍સનાં ૧૦૯૮ ફૉર્મ્‍યુલેશન છે તેમ જ ૧૦,૧૦૦ યુનિક પ્રોડક્‍ટ (બ્રૅન્‍ડ) છે. ભારતમાં ઍન્‍ટિબાયોટિક્‍સ દવાઓનું સેવન અન્‍ય દેશોની સરખામણીમાં ભલે માથાદીઠ ઓછુ હોય પરંતુ ભારતમાં બ્રૉડ સ્‍પેક્‍ટ્રમ એન્‍ટિબાયોટિકનો ઉપયોગ થાય છે. ખરેખર એનો ઉપયોગ ઓછો હોવો જોઈએ.

(5:14 pm IST)