Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

નીટ યુજીમાં રાજસ્થાનની તનિષ્કા દેશમાં પ્રથમ, વડોદરાની છાત્રા નવમા ક્રમે

નીટયુજી ૨૦૨૨ પરીક્ષાનું ફાઈનલ પરિણામ જાહેર : નીટયુજી પરીક્ષા પાસ કરે છે તેઓને આયુષ કોર્સ, બીડીએસઅને બીએસસી નર્સિંગમાં પ્રવેશ મળે છે

નવી દિલ્હી, તા.૮ : આખરે ઉમેદવારોની આતુરતાનો અંત આવી ગયો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે નીટયુજી ૨૦૨૨ પરીક્ષાની ફાઈનલ આન્સર કી અને પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ૩૧ ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવી હતી.  નીટયુજી ૨૦૨૨ પરીક્ષાનું આયોજન ૧૭ જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું. આ વર્ષે ૧૫.૯૭ લાખ ઉમેદવારે પરીક્ષા આપી હતી, જેમાં રાજસ્થાનની તનિષ્કા દેશમાં પ્રથમ આવી છે, રાજધાની દિલ્હીના વત્સ આશિષ બત્રા બીજા અને કર્ણાટકના હૃષિકેશ નાગભૂષણ ત્રીજા નંબરે રહ્યા હતા. જ્યારે ટોપ ૫૦માં ગુજરાતના પાંચ વિદ્યાર્થીને સ્થાન મળ્યું છે.

ગુજરાતની ઝીલ વ્યાસે ૯૯.૯૯૯૨૦૬૬ પર્સેન્ટાઇલ સાથે દેશમાં નવમો ક્રમ પ્રાપ્ત કર્યો છે. પરીક્ષામાં સામેલ થનારા તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ nta.ac.in અને nea.nta.nic.inની વિઝિટ કરીને પોતાનું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકશે. કેન્ડિડેટને પોતાના સ્કોરકાર્ડના આધારે તેમની પસંદગીની મેડિકલ કોલેજમાં એડમિશન મળશે. જે ઉમેદવારો નીટયુજીપરીક્ષા પાસ કરે છે તેઓ એમબીબીએસ સિવાયના મેડિકલ અભ્યાસક્રમો જેમ કે, આયુષ કોર્સ, બીડીએસઅને બીએસસીનર્સિંગમાં પ્રવેશ મેળવે છે.

આ પરીક્ષા કુલ ૭૨૦ માર્ક્સની હોય છે. એમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ક્વાલિફાઇંગ પર્સેન્ટાઈલ ૫૦ ટકા અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે ૪૦ ટકા હોય છે. મેડિકલ એડમિશન એક્સપર્ટના જણાવ્યા અનુસાર, જનરલ કેટેગરી માટે એઆઈક્યુ ૧૫% કોટા હેઠળ સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માટે ઉમેદવારોએ ૬૫૦થી વધારે સ્કોર કરવો પડશે. વળી, સ્ટેટ કોટાની ૮૫ ટકા સીટો પર ૬૦૦થી વધુ સ્કોર ધરાવતા ઉમેદવાર સરકારી સીટ પર એડમિશન મેળવી શકે છે. બીજી તરફ ઓબીસીકેટેગરીના ઉમેદવારો માટે એઆઈક્યુસીટો માટે આ સ્કોર ૬૪૦ અને સ્ટેટ સીટો માટે ૫૯૦ સુધી હોઈ શકે છે.

મેડિકલની પ્રવેશ પરીક્ષામાં ૧૭.૬૪ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ ૧.૧૭ લાખ ઉમેદવારો પાસ થયા છે, જ્યારે મહારાષ્ટ્રમાંથી ૧.૧૩ લાખ અને રાજસ્થાનમાંથી ૮૨,૫૪૮ ઉમેદવારો પાસ થયા છે. ભારતના ૪૯૭ શહેરો અને દેશ બહારના ૧૪ શહેરોના ૩,૫૭૦ કેન્દ્રો પર ૧૭ જુલાઈએ યોજાયેલી પ્રવેશ પરીક્ષામાં લગભગ ૯૫ ટકા હાજરી હતી.

નીટના ટોપટેન વિદ્યાર્થીઓ

રાજસ્થાન- તનિષ્કા ૭૧૫ માર્ક્સ

દિલ્હી એનસીટી-વીટીએસ – આશિષ બત્રા ૭૧૫

કર્ણાટક – હૃષીકેશ નાગભૂષણ ગાંગુલી – ૭૧૫

તેલંગાણા- ઈરાબેલી સિદ્ધાર્થ રાવ- ૭૧૧

મહારાષ્ટ્ર- ઋષિ વિનય બાલસે- ૭૧૦

પંજાબ – અર્પિત નારંગ – ૭૧૦

ગુજરાત-જીલ વિપુલ વ્યાસ- ૭૧૦

જેએન્ડકે- હાજીક પરવેઝ- ૭૧૦

પશ્ચિમ બંગાળ – સાયંતની ચેટર્જી – ૭૧૦

(7:29 pm IST)