Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

આપના ધારાસભ્ય જસવંતસિંહ ગજ્જન માજરા ઈડીના રડાર પર

ધારાસભ્ય પર ૪૦ કરોડના બેંક કૌભાંડનો આરોપ : ઈડીએ સ્કૂલો, રિયલ એસ્ટેટ અને ફેક્ટરીમાં દરોડા પાડ્યા છે, ધારાસભ્યના નજીકના ૧૨ લોકોને ત્યાં પણ તપાસ

ચંદીગઢ, તા.૮ : પંજાબના અમરગઢથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જન માજરા સીબીઆઈ બાદ હવે ઈડીની રડાર પર છે. ઈડીએ ગજ્જન માજરાની સ્કૂલો, રિયલ એસ્ટેટ અને ફેક્ટરીમાં દરોડા પાડ્યા છે. ધારાસભ્યના નજીકના ૧૨ લોકોને ત્યાં પણ ઈડીની ટીમ તપાસ કરી રહી છે. હજુ દરોડાની પાછળનું કારણ સામે નથી આવ્યું. આ અગાઉ સીબીઆઈએ બુધવારે જસવંત સિંહના પરિસરોમાં દરોડા પાડ્યા હતા. ધારાસભ્ય જસવંત સિંહ પર ૪૦ કરોડના બેંક કૌભાંડનો આરોપ છે. જસવંત સિંહ અમરગઢથી ધારાસભ્ય છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદ પર જસવંત સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન સીબીઆઈને ૯૪ સાઈન કરેલા બ્લેક્ન ચેક અને અનેક આધાર કાર્ડ મળી આવ્યા હતા. રૂપિા ૪૦ કરોડના બેંક છેતરપિંડીના કેસમાં આરોપી જસવંત સિંહના પરિસરમાંથી રૂ. ૧૬.૫૭ લાખ, ૮૮ વિદેશી નોટો, કેટલાક પ્રોપર્ટીના દસ્તાવેજો, કેટલાક બેંક ખાતાઓ અને અન્ય વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. આ મામલે સંગરુર જિલ્લાના માલેરકોટલા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ અગાઉ ઈડીના અધિકારીઓની એક ટીમે મંગળવારે એક્સાઈઝ કમિશનર અને પંજાબના સંયુક્ત કમિશનરના આવાસ પર દરોડા પાડ્યા હતા. જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે, આ દરોડા કયા કેસોમાં પાડવામાં આવ્યા હતા તે હજુ સુધી જાણી શકાયું નથી. ઈડીએ ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારી અને પંજાબના એક્સાઈઝ કમિશનર વરુણ રૂજમના સેક્ટર-૨૦ સ્થિત નિવાસસ્થાન અને હરિયાણાના પંચકુલામાં સંયુક્ત કમિશનર (એક્સાઇઝ) નરેશ દુબેના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. રૂજમ અને દુબે બંનેએ પંજાબની એક્સાઈઝ પોલીસી ઘડવાનું કામ કર્યું હતું. આ નીતિ જુલાઈથી લાગુ કરવામાં આવી હતી. દિલ્હી એક્સાઈઝ પોલિસી ૨૦૨૧-૨૨માં કથિત અનિયમિતતાઓને લઈને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના પરિસરમાં દરોડા પાડ્યાના થોડા દિવસોમાં આ ઘટનાક્રમ થયો હતો.

 

(7:30 pm IST)