Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

કેજરીવાલ પર સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં ચોરીનો આરોપ

દિલ્હીના મુખ્યપ્રધાન પર કસાતો કાયદાનો ગાળિયો : ફરિયાદ એલજી સુધી પહોંચતા મુખ્ય સચિવને મોકલીને આગળની કાર્યવાહી કરવા જણાવાયું, આપે આક્ષેપ ફગાવ્યા

નવી દિલ્હી, તા.૮ : દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડની લડાઈ વચ્ચે આમ આદમી પાર્ટી (આપ)ના કન્વીનર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પણ મુશ્કેલી પણ વધી શકે છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર હરિયાણામાં સ્ટેમ્પ ડ્યુટી ચોરીનો આરોપ છે અને ફરિયાદ એલજી સુધી પહોંચી હતી. હવે એલજીએ આને દિલ્હીના મુખ્ય સચિવને મોકલીને આગળની કાર્યવાહી કરવા જણાવ્યું છે. એલજી ઓફિસના અધિકારીઓએ ઓળખ જાહેર ન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા આ માહિતી આપી હતી. જોકે, આપદ્વારા આ આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે. ૨૮ ઓગસ્ટના રોજ લોકાયુક્ત કચેરીને મળેલી ફરિયાદ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના ગૃહ રાજ્ય હરિયાણામાં ૪.૫૪ કરોડ રૂપિયામાં ત્રણ પ્લોટ વેચ્યા હતા. આરોપ છે કે, તેમણે કાગળ પર તેની કિંમત ૭૨.૭૨ લાખ રૂપિયા ઘટાડીને બતાવી હતી. ફરિયાદમાં આરોપ છે કે, મિલકત તેમની પત્ની સુનીતા કેજરીવાલ દ્વારા વેચવામાં આવી હતી અને સ્ટેમ્પ ડ્યુટી તરીકે ૨૫.૯૩ લાખ રૂપિયા અને કેપિટલ ગેઈન્સ ટેક્સ તરીકે ૭૬.૪ લાખ રૂપિયા તેમજ ઈક્નમટેક્સની પણ ચોરી થઈ હતી.

એલજી ઓફિસે ફરિયાદ શેર કરવા અને ફરિયાદીનું નામ જણાવવાનો ઈનકાર કર્યો છે. ફરિયાદની વિગતો આપતાં એલજીઓફિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેજરીવાલે મિલકતની કિંમત ઓછી દર્શાવી હતી અને ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ ભિવાનીમાં ૧૦૦ ફૂટ પહોળા રોડ પર ત્રણ પ્લોટ ૪.૫૪ કરોડ રૂપિયામાં બજાર કિંમતે વેચ્યા હતા. પરંતુ કાગળોમાં તેની કિંમત માત્ર ૭૨.૭૨ લાખ રૂપિયા જ બતાવવામાં આવી છે. આ પ્રક્રિયામાં તેમને માત્ર રૂ. ૩.૮ કરોડ રોકડા જ નહોતા મળ્યા પરંતુ આવકવેરાની સ્પષ્ટ ચોરી ઉપરાંત રૂ. ૨૫.૯૩ લાખની સ્ટેમ્પ ડ્યુટી અને રૂ. ૭૬.૪ લાખના કેપિટલ ગેઈન ટેક્સની પણ ચોરી કરી હતી. આના જવાબમાં આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, આરોપોનો કોઈ આધાર નથી. આપના એક નેતાએ કહ્યું કે, તે કેજરીવાલની પૂર્વજોની જમીન હતી જેને કલેક્ટરના રેટ પ્રમાણે વેચી હતી. તે પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી સંપૂર્ણ ચૂકવવામાં આવી હતી. આમાં ગડબડનો સવાલ ક્યાં છે. તો પણ એલજી ઈચ્છે છે તો તેઓ સીબીઆઈ, ઈડીઅને કોઈ પણ તપાસ કરાવી શકે છે.

 

(7:30 pm IST)