Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

કોહલીની શાનદાર સદી સાથે ભારતે 212 રનનો ખડકલો કર્યો : કેએલ રાહુલે અડધી સદી ફટકારી

વિરાટ કોહલીએ 61 બોલનો સામનો કરીને 122 રનની વિશાળ ઈનીંગ રમી

ભારત અને અફઘાનિસ્તાન બંને ટીમો આમને સામને છે. બંનેની સફર આ મેચ સાથે પુરી થનારી છે, જેમાં બંને ટીમો જીત સાથે તેને પૂર્ણ કરવા માટે પ્રયાસ કરશે. અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ભારતીય ટીમ ટોસ હારીને બેટીંગ કરવા માટે ક્રિઝ પર આવી હતી. ભારતીય ટીમના નિયમીત સુકાની આરામ પર રહેતા કેએલ રાહુલે સુકાન સંભાળ્યુ છે. રાહુલ સાથે રોહિતની ગેરહાજરીમાં ઓપનીંગ માટે વિરાટ કોહલીએ આવ્યો હતો. બંનેએ શાનદાર શરુઆત કરાવી હતી. બંને વચ્ચે શતકીય ભાગીદારી નોંધાઈ હતી. વિરાટ કોહલી એ શાનદાર આક્રમક અણનમ સદી નોંધાવી હતી. ભારતેે 2 વિકેટ ગુમાવીને 20 ઓવરના અંતે 212 રનનો સ્કોર અફઘાનિસ્તાન સામે નોંધાવ્યો હતો.

કોહલીએ આજે એ કમાલ કર્યો હતો જેનો છેલ્લા 1 હજાર દિવસ કરતા વધુ સમયથી ઈંતઝાર હતો. તેણે શાનદાર સદી નોંધાવી હતી. વિરાટ કોહલીએ 61 બોલનો સામનો કર્યો હતો અને 122 રનની વિશાળ ઈનીંગ રમી હતી. તેણે 6 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા. શરુઆત થી કોહલીએ આક્રમક અંદાજ અપનાવ્યો હતો. ત્યારે જ લાગી રહ્યુ હતુ કે, કોહલી આજે કમાલ કરવાના મૂડમાં લાગી રહ્યો છે. તેની આ વિશાળ ઈનીંગને લઈને જ ભારતે 212 રનનો વિશાળ સ્કોર 2 વિકેટ ગુમાવી અફઘાનિસ્તાન સામે નોંધાવ્યો હતો.

ભારતીય ઓપનીંગ જોડીની રમત શાનદાર રહી હતી. દર્શકો માટે પસંદગીની રમત જોવા મળી હતી. કેએલ રાહુલ સાથે વિરાટ કોહલીએ ઓપનીંગમાં આવ્યો હતો. તેણે ઓપનીંગમાં આવીને કમાલમની ઈનીંગ રમી હતી. આક્રમક શોટ વડે દર્શકોને ખુશ કરી દીધા હતા. રાહુલ અને કોહલી વચ્ચે પ્રથમ વિકેટ માટે 119 રનની ભાગીદારી રમત નોંધાઈ હતીં. 13મી ઓવરમાં રાહુલ ફરિદ અહેમદના બોલ પર નજીબના હાથમાં મોટા શોટના ચક્કરમાં બાઉન્ડરી પર કેચ ઝડપાયો હતો. રાહુલે 41 બોલનો સામનો કરીને 62 રન નોંધાવ્યા હતા

  રાહુલ બાદ સૂર્યકુમાર યાદવ રમતમાં આવ્યો હતો, તેની રમત 2 બોલની રહી હતી. પહેલા બોલ પર છગ્ગો અને બીજા બોલ પર બોલ્ડ થઈ પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે ઋષભ પંતે કોહલીને સારો સાથ પૂરાવતી રમત રમી હતી. તેણે 16 બોલનો સામનો કરીને 20 રનની ઈનીંગ રમી કોહલીની વધુ મોકો આપવા પ્રયાસ કરીને ક્રિઝ પર સ્થિર રહ્યો હતો.

(9:28 pm IST)