Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

અફઘાનિસ્તાન સામે ટીમ ઇન્ડિયાનો 101 રનથ ‘વિરાટ’ વિજય: ભૂવનેશ્વર કુમારે 5 વિકેટ ઝડપી

ભારતે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 212 રન નોંધાવ્યા:જવાબમાં અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરના અંતે 111 રન 8 વિકેટે કર્યા

ભારત અને અફઘાનિસ્તાન બંને દેશની એશિયા કપની સફર પૂરી થઈ છે. બંને ટીમો આ સાથે જ હવે સ્વદેશ પરત ફરશે. ભારતીય ટીમે શાનદાર રમતનુ પ્રદર્શન આજની મેચમાં દર્શાવ્યુ છે. જે પ્રદર્શન અંતિમ મેચમાં જોવા મળ્યુ એમ ભારતીય ટીમ ના ચાહકો સુપર ફોરની આગળની બંને મેચમાં ઇચ્છતા હશે. જોકે હવે સમય વહી ગયો છે, સફર ભલે પૂર્ણ થઈ હોય પરંતુ વિરાટ કોહલી અને ભૂવનેશ્વર કુમારનુ શાનદાર પ્રદર્શન જોવા મળ્યુ. ટી20 વિશ્વ કપ પહેલા કોહલી સદી નોંધાવી હવે ફુલ ફોર્મમાં જોવા મળ્યો છે.

ભારતે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 212 રન નોંધાવ્યા હતા, જવાબમાં અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરના અંતે 111 રન 8 વિકેટે નોંધાવ્યા હતા. ભારતીય ટીમના બોલરોના હુમલાને જોઈને શરુઆતમાં એમ લાગી રહ્યુ હતુ કે અફઘાન ટીમ ત્રણ ડિઝીટ પહોંચતા પહેલા જ સમેટાઈને પરત પેવેલિયન પહોંચી જશે. પરંતુ ઈબ્રાહિમ ઝરદાનની અડધી સદી ભરી રમતે ટીમની લાજ બચાવી હતી. આ મેચમાં ઈબ્રાહિમ ઝદરાને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે અણનમ 64 રનની ઇનિંગ રમી હતી.

 

ભારતીય ઝડપી બોલર ભૂવનેશ્વર કુમારે પ્રથમ ઓવરથી જ કસીને ઓવર કરી હતી. પ્રથમ ત્રણ બોલ ડોટ કર્યા બાદ ભૂવીએ પ્રથમ ઝટકો અફઘાનિસ્તાનની ટીમને આપ્યો હતો. તુરત જ ઓવરના અંતિમ બોલ પર બીજી વિકેટ મેળવી હતી. આ સાથે અફઘાનિસ્તાનની ટીમનો સ્કોર પ્રથમ ઓવરના અંતે 1 રન પર 2 વિકેટ નોંધાયો હતો. વિકેટનો સિલસિલો અટક્યો નહોતો. પહેલા બેટથી કમાલ કોહલીએ કર્યુ હવે ભૂવીએ જમાવટ કરી હતી. ત્રીજી ઓવર લઈને આવ્યો હતો અને જેમાં પણ પ્રથમ ઓવરના માફક ચોથા અને અંતિમ બોલ પર એક એક વિકેટ ઝડપી હતી. આમ 9 રનના સ્કોર પર અફઘાન ટીમ 4 વિકેટ ગુમાવી ચુકી હતી. જેમાં બંને ઓપનરો હઝરતુલ્લા ઝાઝાઈ અને રહેમાનુલ્લા ગુરબાઝે શૂન્ય-શૂન્ય પર જ પરત ફર્યા હતા.

   ત્રીજી વિકેટ કરીમ જનતના રુપમાં ભૂવીને મળી હતી. જનત 4 બોલનો સામનો કરીને 2 રન નોંધાવી પરત ફર્યો હતો. ભૂવીએ તેને કોહલીના હાથમાં ઝડપાવ્યો હતો. નજીબુલ્લાહ ઝદરાનને ભૂવીએ શૂન્યમાં જ પરત મોકલ્યો હતો. અફઘાન ટીમનો આ ત્રીજો ખેલાડી હતો કે ભૂવીએ તેને શૂન્ય રને પરત મોકલ્યો હતો. અઝમતુલ્લા ઓમરઝાઈ માત્ર 1 જ રન નોંધાવી શક્યો હતો અને એ પણ ભૂવીનો શિકાર બન્યો હતો. તેની સાથે જ અફઘાને 6 વિકેટ માત્ર 21 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. અર્શદીપ સિંહ, રવિચંદ્રન અશ્વિન અને દીપક હુડ્ડાને એક એક વિકેટ મળી હતી.

(11:04 pm IST)