Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

બાઇડેનના શપથગ્રહણ સમારોહમાં હાજરી નહીં આપે ટ્રમ્પ : તૂટશે ૧૫૨ વર્ષ જુની પરંપરા

ટ્રમ્પ એવા પ્રથમ પ્રેસિડન્ટ હશે જે પોતાના ઉત્તરાધિકારીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ નહીં લે

વોશિંગ્ટન,તા. ૯ : અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦ જાન્યુઆરીએ જો બાઈડેનની શપથવિધિમાં ભાગ લેશે નહીં. તેમણે ટ્વિટ કર્યું હતું કે, જેમણે પણ મને પૂછ્યું છે તે માટે કહું કે, 'હું ૨૦ જાન્યુઆરીએ ઉધ્દ્યાટનમાં ભાગ લઈશ નહીં.' ૧૮૬૯માં અમેરિકાના ૧૭માં રાષ્ટ્રપતિ એન્ડ્રુ જહોનસન પછી ટ્રમ્પ એવા પ્રથમ પ્રેસિડન્ટ હશે જે પોતાના ઉત્ત્।રાધિકારીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ નહીં લે.

નોંધનીય છે કે અમેરિકાના દરેક રાષ્ટ્રપતિ તેમના કાર્યકાળ પછી નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ કાર્યક્રમમાં સામેલ થાય છે. ૨૦૧૬માં તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ કાર્યક્રમમાં સામેલ થયા હતા. ૨૦૦૯ માં બરાક ઓબામાના શપથગ્રહણ સમારોહમાં રિપબ્લિકન પાર્ટીના જયોર્જ ડબલ્યુ બુશે પણ હાજરી આપી હતી.

યુ.એસ.ના કેટલાક ધારાસભ્યો રાષ્ટ્રપતિ પદનો કાર્યકાળ પુરો થાય તે પહેલાં કેપિટલમાં ટ્રમ્પ સમર્થકોની હિંસા બાદ તેમને હટાવવાની તૈયારી કરી રહ્યા છે. સીએનએન અનુસાર ટ્રમ્પને મહાભિયોગ લગાવવા અને તેમને પદ પરથી હટાવ્યા બાદ સેનેટ તેમને ભવિષ્યમાં ફેડરલ ઓફિસમાં પાછા ફરતા અટકાવી શકે છે. સેનેટનો મત તેમને કાયમ માટે અયોગ્ય ઠેરવશે. દેશના બંધારણના ૨૫માં સુધારણા હેઠળ ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ અને મંત્રીમંડળના બહુમતીને ટ્રમ્પને પદ પરથી હટાવવા માટે મત આપવો પડશે. 'પોતાના પદ પર તાકાત અને ફરજો નિભાવવા' માં અસ્થિરતાને ટાંકીને જો આમ કરવામાં આવશે તો તે એક મોટું પગલું હશે.

ગુરુવારે યુ.એસ.માં થયેલી હિંસાને પગલે ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સને ઓછામાં ઓછા બે અઠવાડિયા અથવા શકયતઃ અનિશ્ચિતકાળ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમય દરમિયાન ટ્રમ્પ આ બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના એકાઉન્ટને એકસેસ કરી શકશે નહીં. એવું માનવામાં આવે છે કે ટ્રમ્પ હવે જો બાયડેનના શપથ લીધા પછી જ કોઈ પોસ્ટ કરી શકશે.

(10:21 am IST)