Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

કોરોના વેકસીનને મુદ્દે પીએમ મોદી સોમવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે

સોમવારે જાહેર થશે રસીકરણની તારીખ !

નવી દિલ્હી,તા. ૯: કોરોના વેકસીનના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે દેશના તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે સોમવારે બેઠક કરશે. સોમવાર સાંજે ૪ વાગ્યે યોજાનારી આ બેઠક એવા સમયે થઇ રહી જયારે દિલ્હી સહિતના દેશના મોટાભાગના રાજયોમાં કોરોના વેકસીનની પહેલી ખેપ પહોંચશે. જાન્યુઆરીના અંતમાં કોરોના વેકસીનેશનના પહેલા તબક્કા હેઠળ ૩ કરોડ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને ફ્રીમાં વેકસીન લગાવવામાં આવશે.

દેશમાં કોરોના રસીકરણના પહેલા તબક્કા હેઠળ ૨૭ કરોડ લોકોને વેકસીન લગાવવામાં આવશે, જોકે વેકસીન ફ્રીમાં મળશે કે નહીં એ અંગેની કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ૫૦ વર્ષથી વધુ ઉંમરના અને ગંભીર બીમારીઓથી પીડિત લોકો માટે રસીનો ખર્ચ કેન્દ્ર કે રાજય સરકાર ઉઠાવશે. જયારે રાજસ્થાન સહિત અનેક રાજયો કેન્દ્ર સમક્ષ ફ્રી વેકસીનની માંગ કરી રહ્યા છે. જેને લઇને મોદી સરકાર સતત વિચારણા કરી રહી છે. 

નોંધનીય છે કે રસીકરણના પહેલા તબક્કા હેઠલ કોરોના વેકસીન કોવિશીલ્ડની પહેલી ખેપ આગામી ૭૨ કલાકમાં દેશના અન્ય મોટા શહેરોમાં પહોંચે એવી યોજના સક્રિય છે. બીજી તરફ કોરોના વેકસીન લેવાવાળાની ઓળખ કરવા માટે Covin appમાં અત્યાર સુધી ૭૦ લાખથી વધુ લોકો નોંધણી કરાવી ચૂકયા છે.

(10:21 am IST)