Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવસિંહ સોલંકીનું નિધન

ગુજરાતમાં ચાર વખત મુખ્યમંત્રી પદે રહી ચુકેલા તથા પૂર્વ વિદેશ મંત્રી માધવસિંહ સોલંકીએ આજે વ્હેલી સવારે અંતિમ શ્વાસ લીધા : ૯૪ વર્ષના હતા : 'ખામ' થીયરીના પ્રણેતા હતા : ૧૯૮૦માં આ થીયરી હેઠળ સત્તા ઉપર આવ્યા હતા

અમદાવાદ તા. ૯ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું ૯૪ વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગાંધીનગરના નિવાસસ્થાન ખાતે આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા. માધવસિંહ સોલંકીનો જન્મ ૩૦ જુલાઈ ૧૯૨૭ના રોજ થયો હતો. તેઓ ગુજરાતના સાતમાં મુખ્યમંત્રી હતા.

માધવસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભૂતપૂર્વ વિદેશ મંત્રી રહી ચૂકયા છે. તેઓ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રીનું પદ સંભાળેલું હતું. આ સાથે જ તેઓ 'ખામ થિયરી' માટે જાણીતા થયા, જેના કારણે તેઓ ૧૯૮૦માં ગુજરાતમાં સત્તા પર આવ્યા હતા. માધવસિંહ સોલંકીએ એમના કાર્યકાળ દરમિયાન દેશભરની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના લાગુ કરાવેલી હતી. જેના દ્વારા સેંકડો ગરીબ બાળકોને સ્કૂલમાં પોષણયુકત ભોજન મળી રહ્યું છે.

કોંગ્રેસ સરકારના તેઓ વરિષ્ઠ નેતા હતા. તેમના નિધનથી કોંગ્રેસને મોટી ખોટ પડી છે. રાષ્ટ્રીય કક્ષાએ પણ તેમનું મહાત્મય હતું. તેમના સમયમાં ગુજરાતમાં કોંગ્રેસનો સુવર્ણકાળ હતો. તેઓ એવા નેતા હતા, જેઓ હંમેશા પક્ષ અને તમામ સાથી નેતાઓને સાથે લઈને ચાલતા હતા. માધવસિંહના નેતૃત્વમાં કોંગ્રેસને ગુજરાતમાં સૌથી વધુ બેઠક મળી હતી. માધવસિંહ સોલંકી ચાર વખત એટલે કે ૧૯૭૩-૧૯૭૫-૧૯૮૨-૧૯૮૫માં ગુજરાતના મુખ્ય મંત્રી પદે રહ્યા હતા. ગુજરાત વિધાનસભામાં ૧૮૨માંથી ૧૪૯ બેઠકો જીતવાનો એમનો રેકોર્ડ નરેન્દ્ર મોદી પણ તોડી શકયા નથી.

તેઓ 'ખામ થિયરી' માટે જાણીતા થયા, જે વડે તેઓ ૧૯૮૦માં ગુજરાતમાં સત્તામાં આવ્યા હતા. ગુજરાતની રાજનીતિ અને જાતીગત સમીકરણો સાથે તેઓ સત્તામાં આવ્યા હતા. 'ખામ' એટલે કે ક્ષત્રિય, હરિજન, આદીવાસી અને મુસ્લિમ ૧૯૮૦ના દાયકામાં તેમણે આ ચારેય વર્ગોને એક સાથે જોડયા અને પ્રચંડ બહુમતીથી સત્તા મેળવી હતી. તેઓ વ્યવસાયે વકિલ હતા.

માધવસિંહ સોલંકી ચાર વખત ગુજરાતનાં મુખ્યમંત્રી રહ્યા છે. પહેલીવાર ૧૯૭૬માં રાષ્ટ્રપતિ શાસન હટ્યા બાદ માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ ૨૪-૧૨-૧૯૭૬થી ૧૦-૦૪-૧૯૭૭ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. ૧૯૮૦માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બન્યા બાદ ફરીવાર કોંગ્રેસ સત્તા પર આવી અને ૭ જૂન, ૧૯૮૦નાં રોજ માધવસિંહ સોલંકી બીજીવાર મુખ્યમંત્રી બન્યા, જે ૧૦ માર્ચ ૧૯૮૫ સુધી પદ પર રહ્યા હતા. ફરીવાર યોજાયેલી ચૂંટણીમાં વિજયી બની, ૧૧ માર્ચ ૧૯૮૫માં માધવસિંહ સોલંકી ત્રીજીવાર મુખ્યમંત્રી રહ્યા હતા. બાદમાં તેમણે ૬ જૂલાઈ ૧૯૮૫માં રાજીનામું આપવું પડ્યુ હતુ. ચોથીવાર ૧૦ ડિસેમ્બર ૧૯૮૯થી ૪ માર્ચ ૧૯૯૦ સુધી માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી રહ્યા હતા.

કુલ ૧૮૨ સભ્યોની ગુજરાત વિધાનસભામાં આજ સુધી કુલ સૌથી વધુ ૧૪૯ બેઠક મેળવવાનો વિક્રમ નોંધાવનાર કોંગ્રેસીનેતા માધવસિંહ સોલંકીને પક્ષની યાદવાસ્થળીએ ૧૯૮૫માં ઘરભેગા કર્યા. ત્યારે તેના અનુગામી તરીકે આદિવાસી નેતા અમરસિંહ ચૌધરી આવ્યા પછીના મુખ્ય પ્રધાન નક્કી કોઈ દલિત જ હશે એવી ચર્ચા ચાલેલી.

જો કે ફરી રાષ્ટ્રીય રાજકારણમાંથી પરત આવી થોડા દિવસની સુલતાન તરીકે માધવસિંહે સરકારની ધુરા સંભાળી અને કોંગ્રેસની નૈયાને એવી ડૂબાડી કે જૂના કોંગ્રેસી ચીમનભાઈ પટેલ અને જૂના જનસંઘી કેશુભાઈ પટેલની મિશ્ર સરકાર રચાઈ.

માધવસિંહ સોલંકીને એમના કાર્યકાળની મોટામાં મોટી ક્રેડિટ આપવી હોય, તો એમણે દેશભરની શાળાઓમાં લાગુ કરાવેલી મધ્યાહન ભોજન યોજના માટે આપી શકાય. માધવસિંહ સોલંકી ચાર વખત એટલે કે ૧૯૭૩-૧૯૭૫-૧૯૮૨-૧૯૮૫ ગુજરાતના મુખ્ય મંત્રી હતા.

(11:43 am IST)