Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ધીરેન્દ્ર બ્રહ્મચારી : ઉદ્યોગથી યોગ સુધીની સફર

ઉદ્યોગકાર તરીકે 'શીવગન' નામથી બંધુકની ફેકટરી ધરાવતા હતા : રશિયામાં અંતરીક્ષ યાત્રીઓને યોગ શિખવવા તેઓને વિશેષ આમંત્રણ મળેલ : ઇન્દીરા ગાંધીને યોગ શિક્ષણ આપવા જવાહરલાલ નહેરૂએ તેમની નિમણુંક કરેલ : પ્લેન અકસ્માતમાં જીવનલીલા સંકેલાઇ ગઇ

નવી દિલ્હી : હઠયોગની વિશેષ સિધ્ધીઓથી દેશ વિદેશમાં ખ્યાતિ મેળવી જનાર યોગગુરૂ ધીરેન્દ્ર બ્રહ્મચારી એ પહેલા એક સારા ઉદ્યોગપતિ પણ હતા. ઉદ્યોગથી યોગ સુધીની તેમની જીવનયાત્રા રોચક છે.

એક સમયે ધીરેન્દ્ર બ્રહ્મચારીની ગણના આમ્સ ડીલર તરીકે થતી હતી. તેમને જમ્મુ કાશ્મીરમાં 'શિવ ગન' નામથી ફેકટરી હતી. બંદુકનું મોટાપાયે ઉત્પાદન થતુ. આ ફેકટરીનું વાર્ષિક ટર્નઓવર પણ ૩૭ લાખ સુધી પહોંચી જતુ. ૧૯૯૦ માં તેમની સામે ગેરકાયદેસર હથિયાર રાખવાનો આરોપ પણ લાગી ચુકેલ. પોલીસે તેમની સામે કેસ દાખલ કરેલ.

હથીયારના ઉત્પાદનની કાબેલીયતને નજર અંદાજ કરીએ તો યોગ વિદ્યાએ તેમને સારી ખ્યાતિ અપાવી હતી. હઠયોગ માટે તેમને વિશેષ આમંત્રણો મળતા. ૧૬૦ ના દાયકામાં રશીયા ખાતે અંતરીક્ષ યાત્રીઓને પ્રશિક્ષિત કરવા હઠયોગ વિશેષજ્ઞ તરીકે યોગગુરૂ ધીરેન્દ્ર બ્રહ્મચારીને નિમંત્રિત કરવામાં આવ્યા હતા.

એમ તો જવાહરલાલ નહેરૂજી પણ તેમની યોગવિદ્યાઓથી ખુબ પ્રભાવિત હતા. દિકરી ઇન્દીરાને યોગનું શિક્ષણ આપવા તેઓએ યોગગુરૂ ધીરેન્દ્ર બ્રહ્મચારીની નિમણુંક કરેલ. ૧૯૭૮ થી લઇને ૧૯૮૩ ના સમયમાં દુરદર્શન પર તેઓ યોગની પાઠશાળા પણ ચલાવતા. આ કાર્યક્રમોથી જ ધીરેન્દ્ર બ્રહ્મચારીને રાષ્ટ્રસ્તરે ખ્યાતિ પ્રાપ્ત થયેલ. પણ જયારે ઇન્દીરાજીની હત્યાના સમાચાર મળ્યા ત્યારથી હતાશ થયેલ બ્રહ્મચારીજીએ દુરદર્શન પર કાર્યક્રમો આપવાનું છોડી દીધુ.

૧૯૯૪ ના પ્લેન અકસ્માતમાં તેમની જીવનલીલા સંકેલાઇ ગઇ. ધીરેન્દ્રજી પોતાના ખાનગી પ્લેનમાં સફર કરી રહ્યા હતા. ત્યારે વૃક્ષ સાથે ટકરાતા પાઇલોટ સાથે તેઓનું પણ મૃત્યુ થયુ.

આમ ઉદ્યોગથી લઇને યોગ સુધીની તેમની સફર રોચક બની રહી. આજે પણ દેશમાં યોગગુરૂ તરીકે સૌ તેમને યાદ કરે છે.

(1:05 pm IST)