Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

લદ્દાખમાં ભારતીય સરહદે આંટા મારતો ચીની સૈનિક ઝડપાયોઃ રસ્‍તો ભુલીને ભારતની સીમામાં ઘુસી ગયાનું રટણ

લદ્દાખ: લદ્દાખમાં ભારતની સરહદમાં ફરતા એક ચીની સૈનિકને ભારતીય સેનાએ પકડી લીધો છે. આ સૈનિક ચુસુલ સેક્ટરમાં ગુરૂંગ ઘાટી પાસે પકડાયો છે. પૂછપરછ દરમિયાન ચીની સૈનિકે જણાવ્યુ કે તે રસ્તો ભટકી ગયો હતો. ભારતીય સૈનિક આ ચીની જવાનની પૂછપરચ કરી રહ્યા છે. પૂછપરછથી સંતૃષ્ટ થયા બાદ જ આ સૈનિકને ચીની અધિકારીઓને સોપવામાં આવશે.

રિપોર્ટ અનુસાર, 8 જાન્યુઆરીએ લદ્દાખમાં LACની ભારતીય સીમાની અંદર ચીનના એક સૈનિકને પકડ્યો હતો. ચીની સૈનિકને પેંગોંગ ઝીલના દક્ષિણ કિનારે પકડવામાં આવ્યો હતો. ચીની સૈનિકના નિવેદન પર વિશ્વાસ કરીએ તો આ સૈનિક રસ્તો ભટકીને ભારતની સીમામાં ઘુસી આવ્યો હતો. આ દરમિયાન ત્યા તૈનાત ભારતીય સૈનિકોએ તેને પકડી લીધો હતો.

મહત્વપૂર્ણ છે કે LACની બન્ને તરફ ભારત અને ચીનના સૈનિક તૈનાત છે. હવે PLA સૈનિક સાથે સ્થાપિત માનદંડો અંતર્ગત વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. સેના આ વાતની તપાસ કરી રહી છે કે આ ચીની સૈનિકે કઇ સ્થિતિમાં સરહદ પાર કરી છે. રિપોર્ટ અનુસાર જો ભારતીય સેનાની તપાસમાં ચીની સૈનિકનો દાવો સાચો સાબિત થયો તો તમામ ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ તેને પરત મોકલી દેવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે ભારત અને ચીન વચ્ચે મે 2020થી ટકરાવ ભરેલી સ્થિતિ જોવા મળી રહી છે. પૂર્વ લદ્દાખ બોર્ડર પર ગલવાન ઘાટી નજીક પેંગોગ લેક સુધી ચીની સેના અને ભારતીય સેના સામ સામે આવી ગઇ છે. 15 જૂને ગલવાનમાં હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થઇ ગયા હતા. સામે પક્ષે ચીનને પણ વ્યાપક નુકસાન થયુ હતું પરંતુ ચીને ક્યારેય તેનો સત્તાવાર રીતે સ્વીકાર કર્યો નથી. ભારતે પણ ચીન સાથેના તમામ સબંધ તોડી નાખ્યા હતા. ભારત સરકારે ચીન પર સોશિયલ મીડિયા સ્ટ્રાઇક કરી તેની તમામ એપ પર પ્રતિબંધ મુકી દીધો હતો. બીજી તરફ ચીની કંપનીઓને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ પણ પૂર્ણ કરી નાખ્યા હતા. ભારત અને ચીનના અધિકારીઓ વચ્ચે અનેક વખત વાર્તા થઇ ચુકી છે. જોકે, હજુ સુધી તેનું કોઇ સમાધાન આવ્યુ નથી. ચીન અવાર નવાર પોતાની અવળચંડાઇ કરતુ રહે છે અને ભારતીય સીમામાં તેના સૈનિકો ઘુસી આવે છે.

(5:13 pm IST)