Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

સ્વ. માધવસિંહ સોલંકીજીના નિધનથી દુઃખી :કોંગ્રેસની વિચારધારાને મજબૂત કરવામાં અને સામાજિક ન્યાયને આગળ કરવામાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે.: રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલિ પાઠવી

પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ , પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી , કોંગ્રેસના પૂર્વ પ્રમુખો સહિતના ટોચના કોંગ્રેસ નેતાઓએ ઘેરાશોકની લાગણી સાથે શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હી : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નિધન અંગે ઘેરાશોકની લાગણી સાથે શ્રધ્ધાસુમન અર્પણ કરતાં અખિલ ભારતીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સ્વ. માધવસિંહ સોલંકીજીના અચાનક નિધન દુઃખદ છે. કોંગ્રેસપક્ષની વિચારધારાને મજબૂત કરવામાં અને સામાજિક ન્યાયને આગળ કરવામાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. તેમના પરિવારજનો અને સ્નેહી શુભેચ્છકોને સાંત્વના પાઠવું છું.
   પૂર્વ કેન્દ્રીયમંત્રી અને ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીજીના નિધન અંગે ઘેરાશોકની લાગણી સાથે શ્રધ્ધાંજલી અર્પણ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મુંબઈ વિધાનસભાના સભ્ય તરીકે જાહેર જીવનની શરૂઆત કરી ત્યારથી સતત લોકોની વચ્ચે કામ કરતા કરતા કોંગ્રેસ પાર્ટીના પાયાના એક કાર્યકર, રાજ્ય ના મંત્રી, ગુજરાત ના ચાર વાર મુખ્યમંત્રી, કેન્દ્ર સરકારમાં આયોજન મંત્રી, વિદેશ મંત્રી આ તમામ પદો પર જેમને કામ કરવાની તક મળી, તેમનું પહેલું લક્ષ્ય સામાન્ય માણસને કઈ રીતે મદદરૂપ થઇ શકાય

  , સરકારી યોજનાઓ ને સરકાર ની નીતિ અને કાયદા દ્વારા ગરીબ માણસોનું કેવી રીતે કલ્યાણ – ઉત્થાન થઈ શકે, રાજ્ય અને રાષ્ટ્રીય વિકાસ કેવી રીતે થાય એ લક્ષ્ય સાથે આખું જીવન કાર્ય કર્યું, મધ્યાહન ભોજન યોજના હોય, મફત કન્યા કેળવણી હોય, બક્ષીપંચ સમાજ માટે અનામતની વાત હોય કે ગુજરાત રાજ્યમાં ઔદ્યોગિક ક્રાંતિ માટે પછાત વિસ્તારોમાં જીઆઇડીસી અને અન્ય યોજનાઓની શરૂઆત હોય આ તમામ શાસન કાળમાં અને આજે પણ લોકો યાદ કરે છે અને આવનારી પેઢી સુધી પણ લોકો યાદ કરશે. તેમના શાસનમાં એક સામાન્ય માણસને પણ પોતાની સરકાર લાગે પોતાના મુખ્યમંત્રી લાગે એવો એમને અહેસાસ કરાવ્યો. સામાન્ય માણસના દિલમાં સ્થાન પ્રાપ્ત કરનાર આદરણીય માધવસિંહ સાહેબ ના જવાથી એક જાહેર જીવનને ના ભૂલી શકાય એવી ખોટ પડી કે કોંગ્રેસપક્ષને માર્ગદર્શન, પ્રોત્સાહન, પ્રેરણા આપનારું નેતૃત્વ અમે ગુમાવ્યું અને પરિવારના મોભી ગુમાવ્યા છે.
   ભારત સરકારના પૂર્વ કેન્દ્રીયમંત્રી અને ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીજીના નિધન અંગે ઘેરાશોકની લાગણી સાથે શ્રધ્ધાસુમન અર્પણ કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના સમાજ જીવનમા સમાનતા, સમર્પણ, સેવા તથા અનુશાસનનો પાયો નાખી અને જીવનભર "ગરીબોના બેલી" એવા પૂર્વ મુખ્યમંત્રી સ્વ.માધવસિંહ સોલંકીજીએ અનંત યાત્રાએ પ્રયાણ કર્યુ છે.,  ઈશ્વર એમના આત્માને શાશ્વત શાંતી અર્પે એવી અંતર મનથી પ્રાર્થના કરું છું.
ભારત સરકારના પૂર્વ કેન્દ્રીયમંત્રી અને ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીજીના નિધન અંગે ઘેરાશોકની લાગણી સાથે શ્રધ્ધાસુમન અર્પણ કરતા એ.આઈ.સી.સી.ના ગુજરાત સંગઠન પ્રભારી રાજીવ સાતવજીએ જણાવ્યું હતું કે, માધવસિંહભાઈ તજજ્ઞ નેતા અને અભ્યાસુ વ્યક્તિત્વ હતા અમારી સૌ નવી પેઢી માટે પ્રેરણારૂપ – માર્ગદર્શક હતા. તેમના નિધનથી કોંગ્રેસપક્ષે રાષ્ટ્રીયકક્ષાના નેતા ગુમાવ્યા છે.
ભારત સરકારના પૂર્વ કેન્દ્રીયમંત્રી અને ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નિધન અંગે ઘેરાશોકની લાગણી સાથે શ્રધ્ધાજંલી અર્પણ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યુ હતું કે, સ્વ. માધવસિંહજીના નિધનથી ગુજરાતે એક દિગ્ગજ નેતા અને કોંગ્રેસપક્ષે માર્ગદર્શક ગુમાવ્યા છે. વ્યક્તિગત રીતે પિતાતુલ્ય માર્ગદર્શક ગુમાવ્યાં છે. પત્રકારત્વ, સાહિત્ય, વકિલાત ક્ષેત્રમાં આગવી રસરૂચિ ધરાવનાર માધવસિંહજી રાજનીતિમાં ધારાસભ્ય, મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ અધ્યક્ષ બાદ રાષ્ટ્રીય મહામંત્રી તરીકે વિવિધપદ પર કામ કરીને સમગ્ર જીવન ગુજરાત અને દેશની સેવામાં અર્પી દીધું. નર્મદા યોજના, કૃષિ વિકાસ, સિંચાઈના વ્યાપ વધારો, નવી યોજના અમલમાં મુકવી, શિક્ષણમાં અસમાનતા દુર કરવી, કન્યા કેળવણી મફત, મધ્યાહન ભોજન યોજના, જી.આઈ.ડી.સી.ની સ્થાપના જેવા અનેક અવિસ્મરણીય કામો ગુજરાત ભુલી નહીં શકે. તેમના નિધનથી ગુજરાતનું જાહેર જીવન રંક બન્યું છે. હુ આદર પૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરું છું.
   ભારત સરકારના પૂર્વ કેન્દ્રીયમંત્રી અને ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નિધન અંગે ઘેરાશોકની લાગણી સાથે શ્રધ્ધાજંલી અર્પણ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થભાઈ પટેલે જણાવ્યુ હતું કે,  મુરબ્બી માધવસિંહ સોલંકીનું આજે દુઃખદ અવસાન થયું છે કોંગ્રેસજન માટે આ એક આઘાત આપનારા સમાચાર છે. કોંગ્રેસના એ વરિષ્ઠ નેતા રહ્યાં તેમના નેતૃત્વમાં તે સમયમાં કોંગ્રેસે ખુબ સારું પ્રદર્શન પણ કર્યું. રાજકારણ અને લોકોને કેવી રીતે જોડી શકાય તેની એક આગવી સૂઝ માધવસિંહજી સોલંકીમાં હતી ખૂબ  વાંચતા અને ખુબ લખતા, ગરીબ અને પછાત વર્ગના હિતોના રક્ષણ માટે એમના મનમાં સદાય ચિંતા રહેતી અને એને લઈને એમણે આખી જિંદગી કામ કર્યું આવા એક વરિષ્ઠ નેતા ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસપક્ષે પણ ગુમાવ્યાં છે હું માનું છું કે મૂલ્યોનું રાજકારણ કરનારા એક વ્યક્તિ આજે આપણી વચ્ચેથી જતા રહ્યા છે એનું બહુ મોટું દુઃખ છે અને એમની ખોટ આપણને સૌને સાલસે, જાહેર જીવનના મૂલ્યો ને સાચવીને કામ કરનાર માણસ જ ગુમાવી દીધાં. મેં વ્યક્તિગત રીતે મારા વડીલ ગુમાવ્યા છે મને ખૂબ મોટું દુઃખ છે.
ભારત સરકારના પૂર્વ કેન્દ્રીયમંત્રી અને ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્ર માધવસિંહ સોલંકીના નિધન અંગે ઘેરાશોકની લાગણી સાથે શ્રધ્ધાજંલી અર્પણ કરતા એ.આઈ.સી.સી.ના પ્રવક્તા અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, યુવા કાર્યકર સમયથી મુરબ્બી માધવસિંહભાઈના શાસનકાળને જાણવાની, જોવાની તક મળી કોંગ્રેસપક્ષના વરિષ્ઠ નેતાના નિધનથી પારાવાર દુઃખ અનુભવુ છું. કુશળ રાજનીતિજ્ઞની સાથોસાથ કોંગ્રેસપક્ષ પરીવારના વડીલ હતા. તેમના નિધનથી પરિવારે એક મોભી ગુમાવ્યાની લાગણી અનુભવી રહ્યો છું. મુરબ્બીશ્રી માધવસિંહભાઈની મુખ્યમંત્રી તરીકેની કામગીરી હંમેશા ચિરંજીવી રહેશે.
એ.આઈ.સી.સી.ના પૂર્વ મહામંત્રી મધુસુદનભાઈ મિસ્ત્રી, શ્રી દિપકભાઈ બાબરીયા સહિતના આગેવાનોએ ભારત સરકારના પૂર્વ કેન્દ્રીયમંત્રી અને ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નિધન અંગે ઘેરાશોકની લાગણી સાથે શ્રધ્ધાજંલી અર્પણ કરીને તેમના કાર્યકાળમાં ગુજરાતના વિકાસ માટે થયેલ કામગીરીને યાદ કરી હતી.
ભારત સરકારના પૂર્વ કેન્દ્રીયમંત્રી અને ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નિધનના સમાચાર સાંભળીને સમગ્ર રાજ્યના કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો, પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં ઘેરાશોકની લાગણી પ્રસરી હતી અને દિવંગત નેતાને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
ભારત સરકારના પૂર્વ કેન્દ્રીયમંત્રી, ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના બે વખત પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી વહન કરનાર સ્વ. માધવસિંહ સોલંકીજીનું તા. ૯-૧-૨૦૨૧ ના રોજ વહેલી સવારે ગાંધીનગર તેમના નિવાસ સ્થાને નિધન થયેલ છે.
ભારત સરકારના પૂર્વ કેન્દ્રીયમંત્રી, ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના બે વખત પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી વહન કરનાર સ્વ. શ્રી માધવસિંહ સોલંકીજીના પાર્થીવ દેહના અંતિમ દર્શન માટે રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, એલીસબ્રીજ, અમદાવાદ ખાતે તા. ૧૦ જાન્યુઆરીને રવિવારના રોજ બપોરે ૦૩-૦૦ થી ૦૫-૦૦ કલાક સુધી રાખવામાં આવશે. તેમ ડૉ. મનિષ એમ. દોશી (મુખ્ય પ્રવક્તા) એ જણાવ્યું છે

(8:24 pm IST)