Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ઉતરાખંડના ગ્લેશિયર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 26 મૃતદેહ મળ્યા : હજુ 202 નાગરિકો લાપતા

તપોવન ડેમ-વિષ્ણુગાદ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ સાવ ધોવાઈ ગયો

ઉત્તરાખંડમાં હિમનદી વિસ્ફોટ પછીની ગંભીર સ્થિતિ ધીમે ધીમે સામે આવી રહી છે. સરકારી આંકડાઓ મુજબ સોમવાર સાંજ સુધીમાં 26 લાશો મળી હતી. પરંતુ હજુ પણ 202 નાગરિકો ગુમ છે. એમાંથી ઘણાના મોત થયાની આશંકા છે. ઉતરાખંડના ચમોલીમાં હિમનદી વિસ્ફોટ થતાં રવિવારે ધૌલીગંગા નદીમાં અચાનક પુર આવ્યું હતું અને એ પુર રસ્તામાં આવનારા ડેમ સહીત સૌ કોઈને તાણી ગયું હતું. હવે બચાવ અને શોધખોળ કામગીરી ચાલી રહી છે

   નદીના રસ્તામાં આડશ ઉભી કરી બનાવાયેલો તપોવન ડેમ-વિષ્ણુગાદ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ સાવ ધોવાઈ ગયો હતો. એ ડેમની આજે રજૂ થયેલી આકાશી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઉપરથી આવેલા કાંપ-ધૂળમાં ડેમ અડધો દટાઈ ચૂક્યો છે. આ ડેમ 2023 સુધીમાં તૈયાર થવાનો હતો, જે હવે સમયસર પુરો થાય એવી શક્યતા નથી. કેન્દ્રિય મંત્રી આર.કે. સિંહે સ્પષ્ટ કર્યું હતું કે પ્રોજેક્ટને નુકસાન થયું છે, પણ પ્રોજેક્ટ બંધ નહીં રહે.

(10:39 am IST)