Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

આતંકવાદ સામે સાથે મળી લડવા ભારત-અમેરિકા મક્કમ

સત્તા સંભાળ્‍યાના ૧૯માં દિવસે જો બાયડન-નરેન્‍દ્રભાઈ મોદી વચ્‍ચે પ્રથમ ટેલીફોનિક વાતચીત થઈ

નવી દિલ્‍હી, તા. ૯ :. અમેરિકાના ૪૬માં પ્રમુખ બનેલા શ્રી જો બાયડન સાથે ગઈકાલે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પ્રથમ વખત વાતચીત કરી હતી. નરેન્‍દ્રભાઈએ ટ્‍વીટ કરી જણાવેલ કે અમે ક્ષેત્રીય મુદ્દાઓ અને અન્‍યોની પ્રાથમિકતાઓ ઉપર વાતચીત કરી હતી.

જો બાયડને ૨૦ જાન્‍યુઆરીએ અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા પછી ૧૯ દિવસ બાદ બન્ને નેતાઓ વચ્‍ચે આ પ્રથમ વાતચીત હતી.

શ્રી મોદીએ બાયડનને તેમની જીત બદલ શુભેચ્‍છાઓ આપી હતી. ટ્‍વીટ કરી નરેન્‍દ્રભાઈએ જણાવેલ કે અમે ‘કલાઈમેટ ચેન્‍જ' વિરૂદ્ધ સહયોગને આગળ વધારવામાં સહયોગ આપવા સહમતી દર્શાવેલ. અમે ઈન્‍ડો-પેસિફીક રીજીયન અને તેનાથી આગળની શાંતિ અને સુરક્ષા માટે બન્ને દેશ વચ્‍ચેના સહયોગને મજબુત કરવા તત્‍પર હોવાનું પણ વડાપ્રધાનશ્રીએ ટ્‍વીટમાં જણાવ્‍યુ છે.

વ્‍હાઈટ હાઉસે બન્ને દેશના વડા વચ્‍ચે વાતચીતના અંશો ગઈકાલે રાત્રે જાહેર કરેલ. પ્રેસીડન્‍ટ જો બાયડન અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી વચ્‍ચે વૈશ્વિક આતંકવાદ સામે સાથે મળી લડવા અને ‘કવાડ' સમૂહના દેશોના સંબંધોને મજબુત કરવા વિશે ચર્ચા થયેલ.

બાયડને કોવિડ-૧૯ અને કલાઈમેટ ચેન્‍જ વિરૂદ્ધ અમેરિકા અને ભારત દ્વારા સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી.

બન્ને નેતાઓ વચ્‍ચે વૈશ્વિક આતંકવાદ સામે સાથે મળી લડવા અને કવાડ દેશોના સંબંધો મજબુત બનાવવા અંગે ચર્ચા થયેલ.

બન્ને વચ્‍ચે કલાયમેટ ચેન્‍જ વિરૂદ્ધ સાથે કામ કરવાનો દ્રઢ નિર્ધાર જાહેર થયેલ. બન્ને વચ્‍ચે ગ્‍લોબલ ઈકોનોમીને મજબુત કરવા બાબતે ચર્ચા થયેલ. જેનાથી બન્ને દેશના લોકોને ફાયદો મળી શકે.

વડાપ્રધાન શ્રી મોદીએ લગભગ ૩ મહિના પૂર્વે અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં જીત મેળવ્‍યા પછી જો બાયડન અને ઉપપ્રમુખ કમલા હેરિસ સાથે વાત કરી હતી.

બાયડને સત્તા સંભાળ્‍યાના પ્રથમ અઠવાડીયામાં માત્ર ૭ રાષ્‍ટ્રોના વડા સાથે વાત કરી હતી. સુપર પાવર અમેરિકા માટે તેની વિદેશ નીતિ બેહદ અગ્રસ્‍થાને હોય છે. આ ૭ રાષ્‍ટ્રાધ્‍યક્ષો સાથેની વાતચીતમાં અમેરિકાના ખૂબ જ નજીકના સાથી ઈઝરાયલનો સમાવેશ નહોતો કે નહોતો ભારત-ચીન જેવી એશિયાની બે શકિતનો સમાવેશ થયેલ.

પ્રથમ ૭ દેશો સાથેની વાતચીતમાં સાઉદી અરેબીયા, યુએઈ કે બહેરીન જેવા તેમના નજીકી દેશોના વડાનો પણ સમાવેશ થતો ન હતો.

બાયડને સત્તા સંભાળ્‍યા પછી પ્રથમ ફોન પડોશી રાષ્‍ટ્ર કેનેડાના વડાપ્રધાન જસ્‍ટિન ટ્રુડોને કર્યો હતો.

(10:43 am IST)