Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

કેજરીવાલની પુત્રીને ઠગ લોકો ઉલ્લુ બનાવી ગયા

સોફા તો ન વેચાયા પણ બેંકમાંથી રૂપિયા જતા રહ્યા !

નવી દિલ્‍હી તા. ૯ : દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની પુત્રી ને પણ ઓનલાઈન ફ્રોડનો શિકાર બનાવતા ભારે ચકચાર જાગી છે. સીએમ કેજરીવાલની પુત્રી હર્ષિતા એ એક જૂના સોફાને ઓનલાઈન વેચવા મુક્‍યો હતો એ સમયે ઠગે ચાલાકી પૂર્વક રૂ. ૩૪૦૦૦ રૂપિયાની છેતરપિંડી કરી લીધી હતી.

પોતે સોફા ખરીદવા માંગતો હોવાનું જણાવી આ ઠગે ખુદની સોફાના કસ્‍ટમર તરીકે ઓળખ આપી. તેણે સૌપ્રથમ સીએમની પુત્રીનો વિશ્વાસ જીતવા માટે તેના અકાઉન્‍ટમાં થોડા પૈસા મોકલ્‍યા હતા, એ પછી એ શખસે સીએમની પુત્રીને એકવાર કોડ સ્‍કેન કરવા માટે કહ્યું હતું. આ સમયે કોડ સ્‍કેન કરતાં જ તેના અકાઉન્‍ટમાંથી એકવારમાં ૨૦ હજાર રૂપિયા અને એ પછી ૧૪ હજાર રૂપિયા ડેબિટ થઈ ગયા હતા આખરે આ મામલો પોલીસ મથક માં પહોંચ્‍યો છે. પોલીસના જણાવ્‍યા પ્રમાણે, કેજરીવાલની પુત્રી હર્ષિતાએ એક સોફો વેચવા માટેની વિગતો ઈ-કોમર્સ સાઈટ પર આપી હતી. એક વ્‍યક્‍તિએ એ સોફા ખરીદવામાં રસ દર્શાવ્‍યો અને તેનો સંપર્ક કર્યો હતો. અકાઉન્‍ટ બરાબર છે કે નહીં એ ચેક કરવાના બહાને તેણે હર્ષિતાના અકાઉન્‍ટમાં નાની રકમ ટ્રાન્‍સફર કરી હતી. આમ, આ ઠગે હર્ષિતાનો વિશ્વાસ જીતી લીધો હતો. તેણે ત્‍યાર બાદ હર્ષિતાને કોડ સ્‍કેન કરવા કહ્યું અને એમ કરવાની સાથે જ હર્ષિતાના અકાઉન્‍ટમાંથી સૌપ્રથમ ૨૦૦૦૦ રૂપિયા ડેબિટ થઈ ગયા હતા.

હર્ષિતાએ જયારે સોફા ખરીદવા ઈચ્‍છતા શખસને કહ્યું કે તેના અકાઉન્‍ટમાંથી પૈસા ડેબિટ થયા છે તો એ ઇસમે કહ્યું કે આવું ભૂલથી થયું છે અને તેણે ફરીથી કોડ સ્‍કેન કરવા જણાવતા હર્ષિતાએ એમ કરતાં બીજી વખતમાં ૧૪૦૦૦ રૂપિયા તેના અકાઉન્‍ટમાંથી ડેબિટ થઈ ગયા હતા.

પોલીસના જણાવ્‍યા પ્રમાણે, મળેલી ફરિયાદ પ્રમાણે અમે આઈપીસીની સંબંધિત કલમો અંતર્ગત એફઆઈઆર નોંધી છે. તપાસ શરૂ કરાઈ છે અને અમે આરોપીને શોધી રહ્યા છીએ. આમ ઠગો એ ઉપાડો લીધો છે અને કોઈ ઠગ ઓન લાઈન પેમેન્‍ટ ની વાત કરી ફ્રોડ કરતા હોવાના કિસ્‍સા વધ્‍યા છે.

(10:47 am IST)