Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

કેન્‍દ્રિય કર્મચારીઓ આનંદો : મોંઘવારી ભથ્‍થામાં ૪ ટકાનો વધારો આવી રહ્યો છે

કોરોનાને લીધે મોંઘવારી ભથ્‍થામાં વધારા ઉપર રોક લગાવાયેલ : આ મહિનાના અંત સુધીમાં નવો વધારો મળવા શક્‍યતા

નવી દિલ્‍હી તા. ૯ : ઘણા સમયથી પગાર વધારાની રાહ જોનારા લાખો સરકારી કેન્‍દ્રીય કર્મચારીને મોટો ફાયદો થઈ શકે છે. સરકાર મોંઘવારી ભથ્‍થામાં વધારાની મંજૂરી આપી શકે છે. આ મંજૂરીનો અમલ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં મળી શકે તેવી શક્‍યતાઓ જોવામાં આવી રહી છે.

કેન્‍દ્ર સરકાર ૫૦ લાખ કર્મચારીઓ અને ૬૧ લાખ પેન્‍શનર્સને માટે ફેબ્રુઆરી ૨૦૨૧માં મોંઘવારી ભથ્‍થુ વધારવાની જાહેરાત કરી શકે છે. જો કે, ૧ જુલાઈ ૨૦૨૦ થી ૧ જાન્‍યુઆરી ૨૦૨૧ સુધી કેન્‍દ્રીય કર્મચારીઓને ભથ્‍થુ અપાશે નહીં. ઉલ્લેખનીય છે કે કેન્‍દ્રએ એપ્રિલ ૨૦૨૦ માં કોરોના સંકટને લીધે મોંઘવારી ભથ્‍થા પર પ્રતિબંધ મૂક્‍યો હતો. કેન્‍દ્રની ઘોષણા મુજબ કેન્‍દ્રીય કર્મચારીઓને જૂન ૨૦૨૧ સુધી મોંઘવારી ભથ્‍થું મળશે નહીં.

મોંઘવારી ભથ્‍થામાં ૪ ટકા વધારાની શક્‍યતા સેવાઈ રહી છે. એટલે કે હવે સરકારી કેન્‍દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્‍થું ૧૭ ટકાથી વધારીને ૨૧ ટકા સુધી થઈ શકે છે. અગાઉ કોરોના સંકટને લઇને સરકારે મોંઘવારી ભથ્‍થુ વધારવા પર રોક લગાવી દીધી હતી. પરંતુ હવે ‘કોરોના વેક્‍સિન આવતા અર્થવ્‍યવસ્‍થામાં આવેલા સુધારાને કારણે કર્મચારીઓને આ લાભ મળી શકે છે. આ કર્મચારીઓની આશા હવે વઘી છે અને સાથે જ સરકાર જલ્‍દી કર્મચારીઓને આ માટેની રાહત આપશે.'

અગાઉ સરકારે કોરોના સમયમાં કર્મચારીઓને કેટલાક મંત્રાલયોને ઘરેથી કામ કરવાની છૂટ પણ આપી હતી. હવે સરકાર આ કર્મચારીઓને કોરોના વાયરસના સંકટના કારણે અટકેલા તેમના ભથ્‍થામાં વધારો કરી આપવાની વિચારણા કરી રહી છે. જેનાથી કર્મચારીઓને મોટી રાહત મળી શકે છે.

 

(10:51 am IST)