Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ખાનગી સ્‍કૂલોને ૧૦૦ ટકા ફી વસૂલીની છૂટ

સુપ્રીમ કોર્ટે ૫ માર્ચ ૨૦૨૧થી ૬ હપ્‍તામાં ૧૦૦ ટકા ફી વસૂલવા છૂટ આપી : ફી નહિ ભરી શકનાર વિદ્યાર્થીને કાઢી મૂકી શકાશે નહિ અને પરિણામ રોકી શકાશે નહિ : સુપ્રીમ કોર્ટે રાજસ્‍થાન હાઇકોર્ટના હુકમ ઉપર સ્‍ટે. આપતા શાળા સંચાલકોને મોટી રાહત

નવી દિલ્‍હી,તા. ૯:  સુપ્રીમ કોર્ટ રાજસ્‍થાનના સરકારી સહાય નહિ મેળવતી ખાનગી સ્‍કૂલોને ૬ હપ્‍તામાં પૂરી ફી વસૂલવા માટે મંજૂરી આપી છે.

સુપ્રીમ કોર્ટની બેન્‍ચે રાજસ્‍થાન હાઇકોર્ટના એ ચુકાદા ઉપર મનાઇ ફરમાવી દીધી છે. જેમાં સંચાલકોને માત્ર ૬૦ % થી ૭૦% ટયુશન ફી વસૂલવાની છૂટ આપી હતી. હવે ખાનગી સ્‍કૂલ સંચાલકો ૬ હપ્‍તામાં ૧૦૦ ટકા ફી વસૂલી શકશે.

રાજસ્‍થાનમાં શાળા સંચાલકો સુપ્રીમના આ ચુકાદાથી ૫ માર્ચ ૨૦૨૧થી માસિક ૬ હપ્‍તામાં વિદ્યાર્થીઓ પાસેથી ૧૦૦ ટકા ફી વસૂલી શકશે.જો કે સુપ્રીમ કોર્ટે એવું પણ આ ચુકાદામાં કહ્યુ છે કે સ્‍કૂલ ફીનું ચુકવણું ન કરવાના કારણે વિદ્યાર્થીઓ ન તો સ્‍કૂલમાંથી કાઢી મૂકી શકાશે કે ન તો પરીક્ષા પરીણામ રોકી શકાશે.

રાજસ્‍થાન હાઇકોર્ટે ખાનગી શાળા સંચાલકોને ૬૦ થી ૭૦ ટકા સ્‍કૂલ ટયુશન ફી વસૂલવા છૂટ આપી હતી. એ હુકમને પણ સુપ્રીમ કોર્ટે હવે પછીની સુનાવણી સુધી સ્‍થગિત કરી દીધેલ છે.

સુપ્રીમ કોર્ટ આ બાબતે અંતિમ આગળની સુનાવણી કરશે ત્‍યાં સુધી ઉપર મુજબ ૧૦૦ ટકા ફી વસૂલીની વ્‍યવસ્‍થા ચાલુ રહેશે.

સુપ્રીમ કોર્ટે એ પણ સ્‍પષ્‍ટ કર્યું છે કે, હપ્‍તામાં ફી ચુકવણીની વ્‍યવસ્‍થા ૨૦૨૧-૨૨ના વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા અપાયેલ ફી થી સ્‍વતંત્ર રહેશે.

 

(11:09 am IST)