Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

બિહારમાં કેબિનેટનું વિસ્તરણઃ શાહનવાઝ હુસૈન બન્યા મંત્રી : સુશાંતના ભાઈ સહિત 17 નેતાઓએ લીધા શપથ

બીજેપી ક્વોટાના 9 અને જેડીયુ ક્વોટાથી 8 મંત્રીઓએ શપથ લીધા

બિહારમાં નિતિશ કેબિનેટનું વિસ્તરણ થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના શાહનવાજ હુસેન સાથે કુલ 17 નેતાઓએ મંગળવારે મંત્રીપદના શપથ લીધા. બિહારમાં સરકાર બન્યા પછી ખૂબજ લાંબા સમયથી કેબિનેટ વિસ્તરણની રાહ જોવાઈ રહી હતી.

જેમાં બીજેપી ક્વોટાના 9 અને જેડીયુ ક્વોટાથી 8 મંત્રીઓએ સપથ લીધા. કુલ 17 મંત્રીઓએ શપથ લેતાં બિહાર મંત્રીમંડળ નીતીશની કેબિનેટનું વિસ્તરણ થયું છે.

શાહનવાજ હુસેન ફરીથી મંત્રી બની રહ્યા છે. લગભગ 20 વર્ષ પછી તેમને ફરીથી મંત્રી પદ મળી રહ્યું છે. નીતિશ કુમાર અને શાહનવાજ હુસૈન બંને અટલ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. શાહનવાઝે ઊર્દૂમાં મંત્રીપદના શપથ લીધા હતા. તેમના પછી શ્રવણકુમારે પણ મંત્રી પદના શપથ લીધા. શ્રવણકુમાર નીતિશ કુમારના નજદીકી માનવામાં આવી રહ્યા છે

આ ઉપરાંત સુશાંતસિંહ રાજપૂતના કાકાઈ ભાઈ નિરજસિંહ બબલૂએ પણ મંત્રી પદના શપથ લીધા છે. સુભાષસિંહ, આલોક રંજન ઝા, જનક રામ, નારાયણપ્રસાદ મંત્રી બન્યા છે. જેડીયુ ક્વોટામાંથી લેસી સિંહ, જમા ખાન, જયંત રાજ, મદન સહની, શ્રવણકુમાર, સંજય ઝા અને સુનિલ કુમાર મંત્રી બન્યા છે. આ ઉપરાંત અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહને પણ મંત્રી બનાવાશે

16 નવેમ્બરના જ્યારે નીતિશ સરકારની શપથ વિધિ થઈ ત્યારે 15 મંત્રીઓએ શપથ લીધા હતા. આજની શપથ વિધિ બાદ બિહાર મંત્રી મંડળની સંખ્યા 31 પર પહોંચી ગઈ છે. કારણ કે એક મંત્રીએ રાજીનામું પણ આપી દીધું હતું. બિહાર મંત્રીમંડળ વિસ્તરણ હેતુ આયોજી શપથ ગ્રહણ કાર્યક્રમમાં સુશિલ મોદી પણ હાજર રહ્યા હતા. આ બાબતની તેઓએ પહેલેથી ટ્વિટ કરીને જાણકારી આપી હતી

(1:54 pm IST)