Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ટુંક સમયમાં સરકાર સપ્તાહમાં ફકત ચાર દિવસ કામનો વિકલ્પ આપશે

બાકીના દિવસોમાં રજા લઇ શકાશે : નવા શ્રમ કાયદામાં કરાશે જોગવાઇ

નવી દિલ્હી તા. ૯ : કેન્દ્ર સરકાર બહુ ઝડપથી કંપનીઓને પોતાના કામદારોની શિફ્ટ બાબતે વધુ એક સગવડતા આપી શકે છે. સરકાર કંપનીઓને શિફ્ટના સમયમાં વધારો કરીને કામદારો માટે ચાર દિવસના અઠવાડિયાની નીતિ અમલમાં મૂકવાની છૂટ આપી શકે છે. જોકે, આ દરમિયાન અઠવાડિયામાં ૪૮ કલાક કામ કરવાની મર્યાદા ચાલુ જ રહેશે. સરકાર એવી છૂટ આપી શકે છે કે કંપની પોતાના કામદારોને ૧૨-૧૨ કલાકની શિફ્ટ કરાવી શકે છે. જો કામદાર ૧૨ કલાકની શિફ્ટ કરે છે તો તેણે અઠવાડિયામાં ચાર જ દિવસ કામ કરવું પડશે. બાકીના દિવસો રજા લઈ શકશે. આવું કરવાથી કંપની અને કર્માચારી બંનેને ફાયદો થશે. જોકે, આ મામલે નિષ્ણાતોના અલગ અલગ મત પ્રવર્તે છે.

લેબર સેક્રેટરી અપૂર્વ ચંદ્રાએ  મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જો કર્મચારી દરરોજ ૧૦ કલાકની આસપાસ કામ કરે છે તો તેણે અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાનું રહેશે. અને બાકીના બે દિવસ રજા લઈ શકશે. જો તે આઠ કલાકની શિફ્ટમાં કામ કરે છે તો અઠવાડિયામાં છ દિવસ કામ કરવાનું રહેશે અને નિયમ પ્રમાણે એક રજા મળશે.

ચંદ્રાએ મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, 'અમે કર્મચારીઓ કે નોકરીદાતાએ પર કોઈ પણ પ્રકારનું દબાણ કરી રહ્યા નથી. આવું કરવાથી તેઓ પોતાની જરૂરિયાત પ્રમાણે વર્તી શકશે.' એટલે કે કંપની પોતાની જરૂરિયાત પ્રમાણે શિફ્ટમાં ફેરફાર કરી શકે છે.

જોકે, આ માટે લેબર કોડમાં ફેરફારની જરૂર પડશે. એક વખત નવો નિયમ અમલમાં આવ્યા બાદ નોકરીદાતાઓને ચાર દિવસ કે પછી પાંચ દિવસની શિફ્ટ કરવા માટે સરકારની મંજૂરીની જરૂર નહીં રહે. જોકે, નવી વ્યવસ્થાને કંપનીના કર્મચારીઓ સ્વીકારે તે જરૂરી રહેશે.

(3:09 pm IST)