Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ચેન્નાઇમાં ૨૨ વર્ષ પછી ટીમ ઇન્ડિયાની ભૂંડી હાર

૪૨૦ રનના ટાર્ગેટ સામે ભારતીય સેનાનું ૧૯૨માં ફિંડલુઃ ૨૨૭ રને ઘોર પરાજય : વિરાટ (૭૨ રન) અને પંત (૫૦ રન) ઝીંક ઝીલી, અન્ય બેટસમેનોએ મુંડાવ્યું

નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઇમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની સેનાને મોટો પરાજયનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડે જો રૂટના નેતૃત્વમાં ભારતને ૨૨૭ રનના મોટા અંતરથી હરાવ્યું છે.  ૪૨૦ રનની જંગી લક્ષ્યાંક સામે ભારતીય ટીમ ૧૯૨ રનમાં જ ધરાશાઈ થઇ ગઈ હતી. ઇંગ્લેન્ડે ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં ૧-૦થી લીડ મેળવી હતી. ચેન્નાઇમાં ૨૨ વર્ષ પછી ભારતને હારનો સામનો કરવો પડયો છે. ભારત છેલ્લે ૧૯૯૯માં પાકિસ્તાન સામે હાર્યું હતુ.

 આજે પાંચમા દિવસે ભારતને ચેતેશ્વર પૂજારા તરીકે પહેલો ઝટકો મળ્યો. લીજના બોલ પર ૧૫ રન બનાવી પૂજારા સ્ટોકસના હાથે કેચ આઉટ થયો હતો. શુભમન ગિલે ચેન્નઈમાં ૮૧ બોલમાં ૭ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી અડધી સદી પૂરી કરી હતી. જેમ્સ એન્ડરસનની અંદર તરફ આવતી બોલ પર ગીલ ચુક્યો અને તેનેપણ પેવેલિયન પાછા ફરવું પડ્યું હતું. તે જ ઓવરમાં, એન્ડરસનને ખાતું ખોલ્યા વિના અજિંક્ય રહાણેને પેવેલિયન જવાની ફરજ પાડી હતી. ઋષભ પંત  પણ , જો રુટને હાથે કેચ આપીને એન્ડરસનને ભારતને પાંચમો ફટકો આપ્યો હતો. આ બીજી ઇનિંગ્સમાં તેની ત્રીજી વિકેટ હતી.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બીજી ઇનિંગમાં ૭૪ મી બોલમાં ૬ ચોગ્ગાની મદદથી અડધી સદી પૂરી કરી હતી. કોહલી ચેન્નઈ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં આવું કરનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે. સ્પિનર લિચે ભારતીય ટીમને સાતમો ફટકો આપ્યો હતો. તે અશ્વિનને ૯ રને જોસ બટલરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. વિરાટ કોહલીએ ૭૨ રન ફટકાર્યા હતા, પરંતુ તે બેન સ્ટોકસની કલીન બોલ્ડ થયો હતો. શાહબાઝ નદીમ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો.

(3:09 pm IST)