Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

વળી એક નવી ઉપાધી : રહસ્યમયી માંદગીએ ૧૫ જીવ લીધા

સતત લોહીની ઉલ્ટીઓ : ૫૦ લોકો સંક્રમિત : કેટલાયને ઉલ્ટી સાથે તાવ અને પેટનો સખ્ત દુઃખાવો અલ્સર

નવી દિલ્હી તા. ૯ : આફ્રિકાના ટાન્ઝાનિયામાં એક રહસ્યમય બીમારી ફેલાયાના સમાચાર છે. આ અજ્ઞાત બીમારીથી પીડિત લોકોને લોહીની ઉલટીઓ થઇ અને અત્યાર સુધીમાં ૧૫ લોકોના મોત થયા છે. કહેવાય છે કે અત્યાર સુધી આ બીમારીથી ૫૦ લોકો પીડિત થઇ ચૂકયા છે. આ બધાની વચ્ચે તાન્ઝાનિયા સરકારે રહસ્યમય બીમારી જાહેર કરનાર ચુન્યા જિલ્લાના ચીફ મેડિકલ ઓફિસર ફેલિસ્તા કિસાંદૂને સસ્પેન્ડ કરી દીધા છે.કિસાંદૂએ કહ્યું હતું કે સંક્રમણની તપાસ માટે લોહીના નમૂનાની તપાસ માટે મોકલી દીધા છે પરંતુ તાન્ઝાનિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોઇ પ્રકોપના સંકેત નથી. મંત્રાલયે કહ્યું કે બિનજરૂરી ડર ઉભો કરવા માટે કિસાંદૂને સસ્પેન્ડ કરી દીધા છે. આની પહેલાં કિસાંદૂએ તુર્કીની અનાદોલુ એજન્સીને કહ્યું હતું કે દર્દીઓ જેમાં મોટાભાગના પુરુષ છે તેમને પેટ અને અલ્સરની મુશ્કેલી થઇ છે. તેમને સિગારેટ તથા હાર્ડ ડ્રિંકનો ઉપયોગ ના કરવાની કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ટોચના સરકારી કેમિસ્ટ લોહી અને પાણીના નમૂનાની તપાસ કરશે જેથી કરીને પ્રદૂષણની તપાસ કરી શકાય. કિસાંદૂ એ કહ્યું કે આ મોતો ઇફૂમ્બોના એક વોર્ડમાં થયા છે. આ વોર્ડમાં દાખલ દર્દીઓએ લોહીની ઉલટી કરી અને તેમનું મોત થઇ ગયું. બીજીબાજુ તાન્ઝાનિયાના સ્વાસ્થ્ય મંત્રી ડોરોથી ગ્વાજિમાએ આ આખા મામલા પર ધ્યાન ના આપવાનું કહ્યું છે અને કિસાંદૂને લોકોમાં ડર ઉભો કરવાના આરોપમાં ૧૦ દિવસ માટે સસ્પેન્ડ કરી દીધો.

સ્વાસ્થ્ય મંત્રીએ મેડિકલ કાઉન્સિલને આખા મામલાની તપાસ માટે કહ્યું પરંતુ આ દાવાને રદ કરી દીધો કે વિસ્તારમાં મહામારી ફેલાઇ છે. ૨૦૧૮ની સાલમાં આ વિસ્તારમાં આ પ્રકારની બીમારી ફેલાઇ હતી. કેટલાંય લોકોને તાવ, ઉલટી અને પેટમાં દુખાવો થયો હતો. બીજીબાજુ તાન્ઝાનિયામાં કોરોના વાયરસને લઇ રાષ્ટ્રપતિ જોન માગૂફુલી પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમણે એવો વિચિત્ર દાવો કર્યો હતો કે પ્રાર્થનાના લીધે તાન્ઝાનિયામાં કોરોનાનો પ્રકોપ થોભી ગયો છે. વાસ્તવમાં બેકાળજીને લીધે જ કોરોના વકર્યો હતો.

(3:17 pm IST)