Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

૩ મહિનામાં એકસ્પાયર થતી ખાદ્ય વસ્તુઓના ઓનલાઇન વેચાણ ઉપર પ્રતિબંધ : લગામ કસી

ઘણીવાર એકાદ દિવસ બાકી હોય છતાં વેચાણ કરી નખાતું હતું : ઇ-કોમર્સ કંપનીઓને ઝાટકો

નવી દિલ્હી તા. ૯ : ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ વસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓ પર લગામ કસી છે. આવી કંપનીઓ હવેથી જે ખાદ્ય પદાર્થો ૩ મહિનાની અંદર એકસપાયર થતા હોય તેમનું ઓનલાઈન વેચાણ નહીં કરી શકે. FSSAIના કહેવા પ્રમાણે તેણે તમામ ઈ-કોમર્સ કંપનીઓ પર આ પ્રકારના ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવા મામલે પ્રતિબંધ મુકી દીધો છે.

FSSAIએ ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ ૨૦૦૬ના અમલ મામલે લોક લેખા સમિતિ (PAC)ને જણાવ્યું કે, ઈ-કોમર્સ પ્લેટફોર્મ પોતે જ ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન નથી કરતા. વસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરતી ઈ-કોમર્સ કંપનીઓ ઘણી વખત ખાદ્ય પદાર્થો એકસપાયર થવાને એક જ દિવસની વાર હોય છતાં તેનું વેચાણ કરી દે છે.

આ સંજોગોમાં ગ્રાહકોને માત્ર એક દિવસમાં તે વસ્તુ વાપરવાની ફરજ પડે છે જે અયોગ્ય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ૩ મહિનાની સમય મર્યાદામાં એકસપાયર થતી ખાદ્ય વસ્તુઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

(3:17 pm IST)