Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

કેન્દ્ર સરકાર દ્વારા જે.વી. શાહને ગુડ સમારીટન એવોર્ડ

રાજકોટ, તા. ૯ : કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટના જે.વી. શાહને કેન્દ્ર સરકાર દ્વારા ગુડ સમારીટન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

માર્ગ સલામતી બાબતે પ્રશંસનીય કામગીરી અને અકસ્માતની સ્થિતિમાં ઘાયલોને મદદરૂપ થવાના ખ્યાલનો લોકોમાં પ્રચાર-પ્રસાર કરવા બદલ કેન્દ્રિય સંરક્ષણમંત્રી રાજનાથ સિંઘ અને કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીનાં હસ્તે ગુડ સમારીટન એવોર્ડ રાજકોટ નિવાસી જયેશ વી. શાહને અર્પીને ગુજરાત રાજય વાહન વ્યવહાર વિભાગમાં પોતાની ફરજ દરમિયાન અકસ્માતમાં ઘાયલ વ્યકિતઓને તાત્કાલિક સારવારની મદદ પહોંચાડવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

જયેશ વી. શાહે અકસ્માતમાં ઘાયલ વ્યકિતઓને પોતાના વાહન, અન્ય વાહનો તથા એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલો કે દવાખાનામાં લઇ જઇને ૪૦ જેટલા કિસ્સાઓમાં ઘાયલ વ્યકિતઓને મદદ કરવાનું કાર્ય કર્યુ હતું.

જે.વી. શાહને માર્ગ સલામતી બાબતે પ્રશંસનીય કાર્ય બદલ તથા માર્ગ અકસ્માતમાં ઘાયલોને મદદરૂપ થવાનાં ઉમદા ખ્યાલનો લોકોમાં પ્રચાર પ્રસાર કરવા બદલ ગુડ સમારીટન એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.

(3:21 pm IST)