Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

કોઇપણ મદદ માટે તત્પર સોનુ સૂદે કહ્યું-હવે વાંદરા પકડવાનું બાકી હતું, દોસ્ત સરનામુ મોકલ, આ કામ પણ કરી જોઇએ

એક ગ્રામજને માંગેલી મદદ સામે સોનુનો જવાબ

મુંબઇ તા. ૯: લોકડાઉનમાં બોલીવૂડના અભિનેતાએ જે રીતે લોકોની મદદ કરી છે એ જોઇને સોૈ તેને ભગવાન માનવા લાગ્યા છે. લોકો તેની પાસે જાત જાતની મદદ માંગતા રહે છે અને આ અભિનેતા પણ પોતાનાથી શકય એટલુ બધુ જ કરતો રહે છે. હવે એક ગામના લોકો કે જેઓ વાંદરાઓના ત્રાસથી હેરાન થઇ રહ્યા છે તેમણે સોનુ સૂદ પાસેથી આ ત્રાસમાંથી મુકત કરાવવા મદદ માંગી છે.  સોનુ સૂદને સતત મદદ માટે તેના ટ્વિટર હેન્ડલ પર સંદેશા મળતાં રહે છે અને તે મદદ કરતો પણ રહે છે. તાજેતરમાં બાસુ ગુપ્તા નામના એક યુઝરે સોનુને ટેગ કરીને લખ્યું હતું કે-સોનુ સૂદ સર, અમારા ગામમાં એક લંગૂર વાંદરાનો આતંક ખુબ જ વધી ગયો છે. તેણે ડઝનેક લોકોને ઘાયલ કરી દીધા છે. આપને નિવેદન છે કે આ વાંદરાને અમારા ગામમાંથી દૂર જંગલમાં મોકલાવી દો. આ સાથે યુઝરે ન્યુઝપેપરમાં છપાયેલા આ લંગૂરના આતંકના ન્યુઝનું કટીંગ પણ પોસ્ટ કર્યુ છે. સોનુએ તુરત જ આ યુઝરનો મજાકીયા અંદાજમાં જવાબ આપ્યો હતો અને લખ્યું હતું કે-બસ હવે વાંદરા પકડવાનું જ બાકી રહ્યું હતું દોસ્ત, સરનામુ મોકલ આ કામ પણ કરીને જોઇ લઇએ. સોનુ સૂદ લોકોની સતત મદદ કરીને મહામારી લોકોડાઉનના સમયમાં ભગવાન બનીને સામે આવ્યો છે. તેણે જરૂરીયાતમંદોની ભરપુર મદદ કરી છે અને હજુ પણ કરી રહ્યો છે.

(3:27 pm IST)