Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

હું કદિ પાકિસ્તાન નહી ગયેલો નસીબદાર છું : મને હિન્દુસ્તાની મુસ્લિમ હોવાનું ગર્વ

હું જીવનમાં પાંચ વખત રડયો છું તેમાં એક ગુજરાતની ઘટના : રાજ્યસભામાંથી નિવૃત્ત થયેલા કોંગી સાંસદ ગુલામનબી આઝાદની દેશ પ્રેમથી છલકતી સ્પીચ : મુસ્લિમ દેશો એકબીજા સાથે લડાઇ કરી ખતમ થઇ રહ્યા છે : ત્યાં કોઇ હિન્દુ કોઇ ઇશાઇ નથી

નવી દિલ્હી તા. ૯ : આજે રાજ્યસભામાંથી નિવૃત્ત થઇ રહેલા કોંગ્રેસના સીનીયર મોસ્ટ સાંસદ ગુલામ નબી આઝાદે પાકિસ્તાનની પ્રર્વતમાન સ્થિતિ વિશે વાત કરતા દેશ પ્રેમથી છલકતી સ્પિચ આપી હતી.

ગુલામ નબીએ કહ્યું, હું એવા નસીબદાર લોકોમાંથી છું જે પાકિસ્તાન કયારેય નથી ગયો, પણ હું જયારે ત્યાંની પરિસ્થિતિ અંગે વાંચુ છું ત્યારે મને ગર્વની અનુભુતી થાય છે કે અમે હિન્દુસ્તાની મુસલમાન છીએ. વિશ્વમાં જો કોઈ મુસલમાનોને ગર્વ થવો જોઈએ તો તે હિન્દુસ્તાનનાં મુસલમાનોને થવો જોઈએ.

સિનિયર નેતા ગુલામ નબી આઝાદનો રાજયસભા કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. મંગળવારે સદનમાં પીએમ મોદી સહિત અન્ય દળોનાં નેતાઓએ ગુલામ નબી આઝાદની પ્રશંસા કરતા ભવિષ્ય માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા. આઝાદે બધાનો આભાર વ્યકત કરતા પોતાના લાંબા રાજનીતિક અનુભવો સદનમાં રજૂ કર્યાં.

જમ્મુ રિઝનનાં ગુલામ નબીએ જણાવ્યું કે, તેમણે દેશભકિત મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને મૌલાના આઝાદને વાંચીને શીખી છે. ગુલામ નબીએ પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી અને સંજય ગાંધીનો આભાર વ્યકત કરતા કહ્યું કે, તેમનાં લીધે તેઓ અહીં સુધી પહોંચી શકયા છે. તેની સાથે ગુલામ નબીએ જણાવ્યું કે કશ્મીર ની પરિસ્થિતિ પહેલા કેવી હતી અને અત્યારે તેમાં ઘણાં ફેરફાર જોવા મળે છે. સાથે પાકિસ્તાન અંગે પોતાના મંતવ્યો પણ રજૂ કર્યાં હતા.

ગુલામ નબીએ સદનમાં જણાવ્યું કે, હું કશ્મીરનાં સૌથી મોટા એસપી કોલેજમાં ભણતો હતો. જયાં ૧૪ ઓગસ્ટ અને ૧૫ ઓગસ્ટ બંને ઉજવવામાં આવે છે. ૧૪ ઓગસ્ટ ઉજવનારની સંખ્યા વધારે હતી. હું અને મારા સાથી ૧૫ ઓગસ્ટ ઉજવતા હતા અને એવા લોકો ઘણાં ઓછા હતા. પણ ત્યારબાદ અમે એક અઠવાડિયું કોલેજ નહોતા જતા કેમકે ત્યાં લોકો મારતા હતા. તે સમયથી પસાર થઈને અમે અહીં સુધી પહોંચ્યા છીએ.

ગુલામ નબીએ કહ્યું કે, હું એ નસીબદાર લોકોમાંથી છું જે પાકિસ્તાન કયારેય નથી ગયો, જયારે હું ત્યાની પરિસ્થિતિ અંગે જાણું છું ત્યારે અમને હિન્દુસ્તાની મુસલમાન હોવાનો ગર્વ થાય છે. વિશ્વમાં જો કોઈ મુસલમાનને ગર્વ થવો જોઈએ તો તે હિન્દુસ્તાની મુસલમાનોને થવો જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે, છેલ્લા ૩૦-૩૫ વર્ષોમાં અફઘાનિસ્તાનથી લઈને ઇરાક સુધી અમુક વર્ષો પહેલા જોઇએ તો મુસ્લિમ દેશ એકબીજા સાથે લડાઈ કરતા ખતમ થઈ રહ્યાં છે.ત્યાં કોઈ હિન્દુ કે ઈસાઇ નથી, તે લોકો એકબીજા સાથે જ લડી રહ્યાં છે. ગુલામ નબીએ કહ્યું કે, પાકિસ્તાનનાં સમાજમાં જે ખરાબીઓ છે, ખુદા કરે તે અમારા મુસલમાનોમાં તે કયારેય ના આવે.

(4:06 pm IST)