Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

વૈશ્વિક બજારને પગલે સોના ચાંદીમાં ઝડપી ઉછાળો : ચાંદીએ 70 હજારની સપાટી કુદાવી

સોનામાં 500નો વધારો : ચાંદીમાં કિલોએ 2000નો ઉછાળો

મુંબઇઃ વૈશ્વિક બજારમાં આવેલી તેજીને પગલે ભારતીય બજારોમાં પણ સતત ત્રણ દિવસથી કિંમતી ધાતુ સોના અને ચાંદીના ભાવ ઝડપથી વધી રહ્યા છે. જેમાં સોના કરતા ચાંદી વધુ ઝડપથી ઉછળી છે. આજે અમદાવાદના ઝવેરી બજારમા સોનાનો 500 રૂપિયા ઉછળીને 49,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો જે છેલ્લા એક સપ્તાહનો સૌથી ઉંચો ભાવ છે. ગત 3 ફેબ્રુઆરી, બુધવારે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 49,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. આજે ચાંદીમાં 2000 રૂપિયાનો ઝડપી ઉછાળો આવ્યો અને પ્રતિ કિલોગ્રામનો ભાવ 70,000 રૂપિયાને કુદાવી 70,500 રૂપિયા થયો હતો. ગઇકાલ સોમવારે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 49,200 રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ એક કિગ્રા દીઠ 68,500 રૂપિયા હતો.

 અત્રે ઉલ્લેખનિય છે કે, હાલ સોના કરતા ચાંદીમાં તેજીના ફંડામેન્ટલ્સ વધારે મજબૂત દેખાઇ રહ્યા છે અને તેના ભાવ પણ ઝડપથી વધ્યા છે.

  આજે વૈશ્વિક બજારમાં હાજર સોનાનો ભાવ 0.8 ટકા વધીને 1844.20 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયો છે. તો યુએસ ગોલ્ડ ફ્યૂચર વધીને 1846 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયુ હતુ. તો ચાંદી 1.7 ટકા ઉછળીને 27.72 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી. પેલેડિયમ પોણા ટકાના સુધારામાં 2346 ડોલર અને પ્લેટિનમ ચાર વર્ષના સૌથી મોટા 1.9 ટકાના ઉછાળા સાથે 1184.50 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી. અમેરિકન ડોલરની નબળાઇ અને વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર માટે નવા આર્થિક રાહત પેકેજની જાહેરાતના આશાવાદથી રોકાણકારો ફરી બુલિયન તરફ ફંટાયા છે. જેને પગલે વૈશ્વિક બજારમાં પણ સોનાનો ભાવ ઉછળીને એક સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચ્યો છે

(6:49 pm IST)