Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ભાજપના નવ, જેડીયુના આઠ સભ્યોનો સમાવેશ

નીતિશ કુમારના નેતૃત્વમાં મંત્રીમંડળનું પ્રથમ વિસ્તરણ : સરકારના ૮૫ દિવસ પછી પ્રથમ મંત્રીમંડળનું વિસ્તરણ

પટના, તા. : બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વમાં એનડીએના મંત્રીમંડળનું પ્રથમ વિસ્તરણ પુરું થયું છે. સાથે કોને કોને મંત્રીમંડળમાં સ્થાન મળશે તે અંગેની અટકળોનો અંત આવી ગયો છે. બિહાર વિધાનસભાની ૨૦૨૦માં યોજાયેલી ચૂંટણી બાદ નીતીશ કુમારની આગેવાનીમાં નવી સરકાર રચાયાના ૮૫ દિવસ પછી પ્રથમ મંત્રીમંડળનું મંગળવારે વિસ્તરણ થયું છે.

મંત્રીમંડળમાં ૧૭ મંત્રીઓએ શપથ લીધા છે. ભાજપના ધારાસભ્યો તેમજ જેડીયુના સભ્યોએ શપણ લીધા છે. નીતીશ સરકારમાં મુખ્યમંત્રીને બાદ કરતા ૧૩ મંત્રીઓ છે જે પૈકી જેડીયુના ચાર અને ભાજપના સાત છે. જ્યારે વીઆઈપી કોટાના એક-એક મંત્રી છે. બપોરે ૧૨.૩૦ કલાકે રાજભવનના રાજેન્દ્ર મંડપમાં શપથવિધિ યોજાઈ હતી.

સૌપ્રથમ ભાજપના એમએલસી શાહનવાઝ હુસૈને શપથ ગ્રહણ કર્યા હતા. તેમણે ઉર્દૂમાં શપણ લીધા હતા. ત્યારબાદ ભાજપના નીતિન નવીન, સમ્રાટ ચૌધરી, સુભાષ સિંહ, આલોક રંજન, પ્રમોદ કુમાર, જનકરામ અને નારાયણ પ્રસાદે મંત્રી પદના શપથ લીધા હતા. ઉપરાંત જેડીયુમાંથી શ્રવણ કુમાર, મદન સૈની, લેસી સિંહ, મહેશ્વરી હજારી, સંજય કુમાર ઝા, જમા ખાન, સુમિત કુમાર સિંહ, જયંત રાજ અને સુનીલ કુમારે શપથ ગ્રહણ કર્યા હતા

સોમવારે સાંજે રાજભવનમાં શપથગ્રહણ સમારંભની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. મોડી રાત્રે મુખ્યમંત્રી નિવાસેથી બપોરે ૧૨.૩૦ કલાકે શપથવિધિ યોજવાનો અનુરોધ પણ પહોંચી ગયો હતો. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી બાદ ૧૬ નવેમ્બરના નીતીશ સરકારની રચના થઈ હતી. તે સમયે સીએમ સહિત ૧૫ મંત્રીઓએ શપથ લીધા હતા. પાછળથી મેવાલાલ ચૌધરીએ રાજીનામું આપી દીધું હતું.

(7:24 pm IST)