Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો હજુ પણ રિપોર્ટ પોઝીટીવ :ઇડી પાસે માંગ્યો ત્રણ સપ્તાહનો સમય

. નવા ટેસ્ટ રિપોર્ટમાં કોરોના પોઝીટીવ :ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી હજુ પણ કોવિડ પોઝીટીવ છે. નવા ટેસ્ટ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. તેમનો રિપીટ ટેસ્ટ સમયસર કરવામાં આવશે, પરંતુ ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. સોનિયા ગાંધીએ (નેશનલ હેરાલ્ડ કેસમાં) હાજર થવા માટે ED પાસે ત્રણ અઠવાડિયાનો સમય માંગ્યો છે.

જોકે, EDએ હજુ સુધી તેમને જવાબ આપ્યો નથી. બીજી તરફ, કોંગ્રેસ 13 જૂને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ રાહુલ ગાંધીની હાજરી દરમિયાન જોરદાર પ્રદર્શનની તૈયારી કરી રહી છે અને આ ક્રમમાં પાર્ટીના સાંસદોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. પાર્ટીએ ગુરુવારે પાર્ટીના મહાસચિવો, પ્રભારીઓ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિઓના પ્રમુખોની ડિજિટલ બેઠક પણ બોલાવી છે, જેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ED સમક્ષ હાજર થવા અંગે ચર્ચા થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસે પોતાના સાંસદોને 13 જૂનની સવારે દિલ્હીમાં હાજર રહેવા માટે પણ કહ્યું છે. ED સમક્ષ રાહુલ ગાંધીની હાજરી માટે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, સાંસદો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહે તેવી શક્યતા છે. EDએ ‘નેશનલ હેરાલ્ડ’ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધીને 8મી જૂને હાજર થવા નોટિસ આપી છે, જોકે કોંગ્રેસ અધ્યક્ષે હાજર થવા માટે વધુ સમય માંગ્યો છે કારણ કે તેઓ કોરોના વાયરસથી સંક્રમિત છે અને હજુ પણ સ્વસ્થ થયા નથી.

(10:12 pm IST)