Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ગુજરાત્રી... કોકટેલ દેસી સીઝન-૩ જબરદસ્‍ત જલ્‍સો જમાવટ

શો ડિઝાઇનર-દિગ્‍દર્શક-અભિનેતા-સંચાલક વિરલ રાચ્‍છ, સુવિખ્‍યાત હાસ્‍ય અભિનય સમ્રાટ-દિગ્‍દર્શક-નિર્માતા સંજય ગોરડીયા, પાર્શ્વગાયક-કમ્‍પોઝર પાર્થ ઓઝા, લોકગાયક-કમ્‍પોઝર હાર્દિક દવે, પાર્શ્વગાયિકા ગાર્ગી વોરા, અભિનેતા જય વિઠ્ઠલાણી, અભિનેત્રી રિવા રાચ્‍છ, કવિ-લિરિસિસ્‍ટ-સંચાલક મિલિન્‍દ ગઢવી અને ટીમ ગુજરાત્રીના હિરેન સુબાએ કરી જબરી જમાવટ : દર્શકો આફરીન-સતત ૩ કલાક સુધી કાર્યક્રમ માણ્‍યોઃ હેમુ ગઢવી હોલ દર્શકોથી ખીચોખીચ ભરાયો, બેઠકો હાઉસફુલ બનતા દર્શકોએ પગથીયા ઉપર બેસી કાર્યક્રમની મજા માણી : બાન લેબ્‍સનો મુખ્‍ય સહયોગ : મૌલેશભાઈ પટેલે ‘અકિલા'ની ટીમને અભિનંદન આપ્‍યા :ગુજરાતી ભાષાનો સાદ ખાસ કરીને યુવા પેઢીને પહોંચાડવાના મુખ્‍ય ઉદ્દેશ સાથે ‘અકિલા ઈન્‍ડિયા ઈવેન્‍ટ્‍સ' અને ‘ગુજરાત્રી'ના પ્રણેતા નિમિષભાઈ ગણાત્રાના માર્ગદર્શનમાં યોજાયો અદ્દભુત કાર્યક્રમ

રાજકોટ : ગુજરાતી ભાષાનો સાદ નવી પેઢીને પહોંચાડવાના મુખ્‍ય ઉદ્દેશ સાથે ‘ગુજરાત્રી' પ્રસ્‍તુત અકિલા ઈન્‍ડિયા ઈવેન્‍ટ્‍સ  દ્વારા ‘કોકટેલ દેસી સીઝન-૩'ની ધમાકેદાર રજૂઆત કરવામાં આવી હતી. ૫ જૂનની સંધ્‍યાએ ખીચોખીચ ભરેલા હેમુ ગઢવી હોલ ખાતે ગુજરાતી કલાકારોના માધ્‍યમથી સંગીત, હાસ્‍ય, અભિનય, સાહિત્‍યરસ પીરસવામાં આવ્‍યુ હતું. દર્શકો આફરીન પોકારી ઉઠયા હતા.
ગુજરાત્રી પ્‍લેટફોર્મના પ્રણેતા ‘અકિલા ન્‍યુઝ ડોટ કોમ'ના એડીટર શ્રી નિમિષભાઈ ગણાત્રા અને તેમની ટીમના હિરેન સુબા, વિરલ રાચ્‍છ તેમજ સમગ્ર ટીમ ઉપર આ નોખો અનોખો કાર્યક્રમ પીરસવા બદલ અભિનંદનવર્ષાનો ધોધ વરસી રહ્યો છે. આ કાર્યક્રમ માટે બાન લેબ્‍સના શ્રી મૌલેશભાઈ પટેલનો ખાસ સહયોગ મળ્‍યો હતો.
કોકટેલ દેસી-૩માં ગુજરાતી અને હિન્‍દી ફિલ્‍મોના સુવિખ્‍યાત-હાસ્‍ય અભિનય સમ્રાટ-દિગ્‍દર્શક-નિર્માતા સંજય ગોરડીયા, પાર્શ્વ ગાયક અને કમ્‍પોઝર પાર્થ ઓઝા, લોકગાયક અને કમ્‍પોઝર હાર્દિક દવે, પાર્શ્વ ગાયિકા ગાર્ગી વોરા, અભિનેત્રી રિવા રાચ્‍છ, અભિનેતા જય વિઠ્ઠલાણી, કવિ-લિરિસિસ્‍ટ અને સંચાલક મિલિન્‍દ ગઢવી તેમજ કાર્યક્રમનું સંચાલન એવોર્ડ વિજેતા શો ડિઝાઈનર, દિગ્‍દર્શક, અભિનેતા વિરલ રાચ્‍છ આમ આ કલાકારોએ આ કાર્યક્રમને ચાર ચાંદ લગાડી દીધો હતો.
બરાબર ૯:૩૦ વાગ્‍યાના ટકોરે આ કાર્યક્રમ શરૂ થયો હતો અને ત્રણ કલાક સુધી દર્શકો, સાહિત્‍ય પ્રેમીઓને વિવિધ કૃતિઓ પીરસવામાં આવી હતી. સમગ્ર હેમુ ગઢવી હોલ સમયથી અગાઉ જ ખીચોખીચ ભરાઈ ગયો હતો. બેઠકો હાઉસફુલ થઈ જતા દાદરા ઉપર પણ બેસી દર્શકોએ આ કાર્યક્રમને ભરપૂર માણ્‍યો હતો.
ગુજરાત્રી પ્રસ્‍તુત અકિલા ઈન્‍ડિયા ઈવેન્‍ટ્‍સ આયોજીત કોકટેલ દેસી સીઝન-૩ કાર્યક્રમનો દિપ પ્રાગટયથી પ્રારંભ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, અકિલાના તંત્રી અને સૂત્રધાર શ્રી અજીતભાઈ ગણાત્રા, ‘ગુજરાત્રી' પ્‍લેટફોર્મના પ્રણેતા અને અકિલાના વેબ એડીટર શ્રી નિમીષભાઈ ગણાત્રા, બાન લેબ્‍સના શ્રી મૌલેશભાઈ ઉકાણી, આર.સી.સી. બેન્‍કના સીઈઓ શ્રી પરસોતમભાઈ પીપળીયા, મેયર શ્રી ડો.પ્રદિપ ડવ, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઈ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઈ ચોટાઈ, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી શ્રી મહેશભાઈ રાજપૂત, સરગમ કલબના પ્રમુખ શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા, રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ શ્રી અર્જુનભાઈ પટેલના હસ્‍તે પ્રારંભ કરવામાં આવેલ.
કાર્યક્રમ શરૂ થયા પહેલા અકિલાના ગુજરાત્રી પ્‍લેટફોર્મ જયારે પહેલી વખત રચાયુ તેનો લોગો જેમણે ડીઝાઈન કર્યો હતો તેવા રશ્‍મિનભાઈ બાલંભીયાનું થોડા સમય પહેલા ખૂબ જ નાની ઉંમરે દેહાંત થતાં તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરવા તેમના પુત્ર પરમ અને તેમના ધર્મપત્‍નિ દ્વારા દીપ પ્રાગટાવી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
ત્‍યારબાદ કાર્યક્રમની પ્રથમ પ્રસ્‍તુતિમાં લોકગાયિકા ગાર્ગી વોરા અને લોકગાયક પાર્થ ઓઝા દ્વારા હે મારી ગુર્જર ધરા... તુ થા મારો મહેમાન... લાંબો ડગલો... છેલ છબીલો ગુજરાતી... જેવા સુંદર ગીતો પીરસ્‍યા હતા.
કાર્યક્રમની બીજી પ્રસ્‍તુતિમાં આપણી ભાતીગળ પરંપરાના લોકગાયક કમ્‍પોઝર હાર્દિક દવે સુવિખ્‍યાત ભજનો જેવા કે મણીયારો હલો હલો... તેમજ મન મોર બની થનગાટ કરે તદ્દન અનોખા અંદાજમાં જ રજૂ કર્યુ હતું.
ત્‍યારબાદ ગુજરાતી અને હિન્‍દી ફિલ્‍મોના જાણીતા અદાકાર એવા સંજય ગોરડીયાએ પોતે સ્‍કુલમાં ભણતા એ અંગેની ધમાકેદાર કૃતિ રજૂ કરી દર્શકોને મોજમાં લાવી દીધા હતા.
આ તકે વિરલ રાચ્‍છ દ્વારા સંજય ગોરડીયાને પ્રશ્ન પૂછવામાં આવ્‍યા હતા. પ્રશ્ન - ૧ ગુજરાતી માટે હ્યુમરનું મહત્‍વ શું? જેના જવાબમાં શ્રી ગોરડીયાએ જણાવેલ કે ગુજરાતીઓના જીવનમાંથી ઢોકરા, ગાંઠીયા, ખાખરા કાઢી નાખો તો જીવન દુર્લભ બની જાય. પ્રશ્ન- ૨ : હાસ્‍યનું મહત્‍વ શું? તેના જવાબમાં સંજયભાઈએ જણાવેલ કે મારા જીવનમાં આ લોકો (દર્શકો) તાલીઓ પાડે છે એ જ મહત્‍વ. આ તકે રમુજમાં કહ્યું કે હું ખરાબ કામ કરતો હોઉ તો પણ તાલીઓ પાડે. આ સાંભળી દર્શકો હસી પડયા હતા.
ત્‍યારબાદની પ્રસ્‍તુતિમાં પાર્થ ઓઝા અને ગાર્ગી વોરાએ લોકગીતો પીરસ્‍યા હતા.
એ બાદ કલાકારો જય વિઠ્ઠલાણી અને રીવા રાચ્‍છ દ્વારા રઈશ મણીયાર લિખિત સ્‍ક્રીપ્‍ટ ‘હસુભાઈની વાત' એકટ (નાટક) રજૂ કર્યુ હતું.
તો વિરલ રાચ્‍છ અને મિલિન્‍દ  ગઢવી દ્વારા ગુજરાતી શેર શાયરી રજૂ કરી હતી. ત્‍યારબાદ તુષાર દવે લિખિત સ્‍ક્રીપ્‍ટ ઉપર સંજય ગોરડીયા, રીવા રાચ્‍છ અને જય વિઠ્ઠલાણી દ્વારા હાસ્‍ય નાટક રજૂ કર્યુ હતું.
આ પ્રસંગે ‘અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગપણાત્રા, ‘અકિલા'ના તંત્રી અને સૂત્રધાર શ્રી અજીતભાઇ ગણાત્રાના હસ્‍તે સર્વે કલાકારો સંજય ગોરડીયા, પાર્થ ઓઝા, ગાર્ગી વોરા, હાર્દિક દવે, વિરલ રાચ્‍છ, મિલિન્‍દ ગઢવી, જય વિઠ્ઠલાણી અને રીવા રાચ્‍છનું શિલ્‍ડ આપી સન્‍માન કરવામાં આવ્‍યુ હતું.
આ કાર્યક્રમમાં બાન લેબ્‍સના શ્રી મૌલેશભાઈ પટેલ, મેયર ડો.પ્રદિપ ડવ, રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે. મેયર દર્શિતાબેન શાહ, ડો.પારસ શાહ, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઈ ચોટાઈ, ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી, મહેશભાઈ રાજપૂત, અશોકભાઈ ડાંગર, સરગમ કલબના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળા, આરસીસી બેન્‍કના સીઈઓ પરસોતમભાઈ પીપળીયા, રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલ વિગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

આખો હોલ પેક, છેલ્લે સુધી મેદનીએ સાથ આપ્‍યો : તાળીઓનો ગડગડાટ કલાકારોને જોમ ચડાવતો રહ્યો

રાજકોટ : રસ ધરાવતા તમામ લોકોને ખુલ્લા દિલે પ્રવેશ મળે તે માટે અકિલા ઇવેન્‍ટ ગુજરાત્રી પ્રસ્‍તુત કોકટેલ દેસી-૩' માટે વહેલા તે પહેલાના ધોરણે નિઃશુલ્‍ક પ્રવેશ મળે તે માટે વેબસસાઇટ પર ઓનલાઇન નિમંત્રણ કાર્ડ એલોટ કરવામાં આવ્‍યા હતા. જેને જબબર પ્રતિસાદ મળ્‍યો હોય તેમ રજીસ્‍ટ્રેશન શરૂ થયાના થોડા સમાય માજ તમામ બેઠકો ફુલ થઇ ગઇ હતી. કેમ કે આ કોકટેલ'નો પ્રથમ પ્રયોગ નહોતો. સીઝન - ૩ એટલે કે સફળતમ ત્રીજો પ્રયોગ હોય રસ ધરાવતાઓ નાડ પારખી ગયા હતા કે આ કાર્યક્રમ કેવો રહેશે. એટલે જ તો કાર્યક્રમ શરૂ થતાની સાથે આખો હોલ ચીકકાર પેક થઇ ગયો હતો. પગથીએ બેસીને પણ લોકોએ દિલથી કાર્યક્રમ માણ્‍યો હતો. વળી આરંભે શુરા જેવુ પણ નહોતુ થયુ. છેલ્લે સુધી આવીને આવી મેદની જામેલી રહી હતી. છેલ્લે કલાકારોને ઇનામ વિતરણ બાદ પણ ગાર્ગી વોરા અને પાર્થ ઓઝાને દસ મીનીટ માટે ગીત લલકારવાનો ક્રમ ફાળવાતા એ તક પણ શ્રોતાએ જત કરી નહોતી. સતત વરસતો રહેલ તાળીઓનો ગડગડાટ કલાકારોને પ્રોત્‍સાહીત કરતો રહ્યો હતો.

 

(1:32 pm IST)