Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

સ્‍ટેજ સજાવટમાં કોરોના કાળની થીમે હાસ્‍ય મસ્‍તીના ધુબાકા વચ્‍ચે પણ સૌને ધીર ગંભીર બનાવ્‍યા

સ્‍ટેજ પર જુજ ઇન્‍સ્‍ટુમેન્‍ટ છતા અંત સુધી ધબધબાટીથી સૌને રોમાંચીત રાખવામાં ધારી સફળતા

રાજકોટ : ‘ગુજરાત્રી'ની પ્રથમ સીઝનની ધમાકેદાર એન્‍ટ્રી થયા પછીનો સમય કોરોના કાળનો હતો. જો કે આ સમયને પણ અકિલા ઇવેન્‍ટ પ્રેરીત ‘ગુજરાત્રી' એ સંભાળી લીધો હોય તેમ ઓનલાઇન કાર્યક્રમોની હારમાળા ચાલુ જ રાખી હતી. ત્‍યારે બે અઢી વર્ષના સમયગાળા પછી આ વખતે ફરી ઓફલાઇન સ્‍ટેજ કાર્યક્રમ ગોઠવાતા સૌના હૈયે અનેરો ઉત્‍સાહ હતો. પરંતુ આ ઉત્‍સાહ અતિરેકમાં ન બદલે તેનું ધ્‍યાન રાખવા આ કાર્યક્રમની સ્‍ટેજ સજાવટમાં કોરોના કાળની થીમ પસંદ કરવામાં આવી હતી. એ સમયને કેમ કરીને ભુલીએ કે જયારે ચારે કોર નિરવ શાંતિ અને ભેંકાર વાતાવરણ છવાયેલુ રહ્યુ. હા આવો જ કઇક અહેસાસ સ્‍ટેજ સજાવટમાં થતો હતો. સમુસામ રસ્‍તા, દુકાનોના બંધ શટરોનો એવુ ચિત્રણ કરાયુ હતુ કે હાસ્‍ય અને મનોરંજનના ધુબાકા વચ્‍ચે પણ થોડી ગંભીરતા આવી જતી હતી. રીશી અને તન્‍વીની અને સ્‍ટેજ સજાવટે પણ લોકોની કાબીલેદા પ્રસંશા મેળવી હતી. અહીં બીજી વાત ઉડીને આંખે વળગે એવી એ હતી કે સ્‍ટેજ ઉપર કોઇ જાજા ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટનો ખડકલો હતો જ નહીં માત્ર કી-પેડ અને ઓરકેસ્‍ટ્રાની મદદથી આખો કાર્યક્રમ અંત સુધી મેઇન્‍ટેઇન કરાયો હતો. ગીતોના શબ્‍દે શબ્‍દે એવી તો ધબધબાટી બોલતી રહી કે લોકોના મોઢા માથી વાહ વાહ સરતુ જ રહ્યુ. ખાસ કરીને ગાર્ગી વોરા અને પાર્થ ઓઝાના પરફોર્મન્‍સ વખતે આખુ સ્‍ટેજ જાણે જીવંત બની રહ્યુ હતુ. તો વળી હાર્દીક દવેએ તો આ બન્ને ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટને પણ આઘા રાખી પોતાની સાથે લાવેલા એકતારા (તંબુરો) ના સુરથી સૌને અચંબિત કરવાનો સરસ પ્રયાસ કર્યો હતો. આમ જો પરફોર્મ કરવાની તાકાત હોય તો વગર સાધને પણ બેસ્‍ટ પરફોર્મ થઇ શકે તેવા સમજાવવા અહીં નવતર પ્રયોગ થયો હતો. વળી અભિયનના પ્રયોગમાં બેક ગ્રાઉન્‍ડ મ્‍યુઝીકે સતત સાથ આપ્‍યો હતો. અભિનયની વચ્‍ચે પણ ફિલ્‍મના ડાયલોગ કે સંવાદોની પ્રસ્‍તુતીએ ભારે આકર્ષણ જમાવ્‍યુ હતુ. લાઇટ એરેન્‍જ રોહીત હરીયાણી અને સાઉન્‍ડ સંચાલન સુનિલ પટેલે સંભાળ્‍યુ હતુ.

 

(1:33 pm IST)