Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ટ્વીટર એલોન મસ્કને દરરોજની લાખો ટ્વીટ્સના ડેટાની એક્સેસ પ્રદાન કરશે

એલોન મસ્કની માગણી સામે ટ્વીટર ઝૂકી શકે છે : ટ્વીટર પર ફેક એકાઉન્ટના મુદ્દે મસ્કનો ટ્વીટર ખરીદવાનો સોદો અટક્યો છે

વોશિંગ્ટન,તા.૯ : ટ્વિટર એલોન મસ્કની માગણી સામે ઝુકી શકે છે. ટેસ્લા પ્રમુખે ટ્વિટર ખરીદવાના સોદામાંથી પાછા હટી જવાની ધમકી આપી ત્યાર બાદ આ સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે કંપની મસ્કની માગણી સ્વીકારવા માટે તૈયાર છે.

હકીકતે સોમવારના રોજ એલોન મસ્કના વકીલોએ ટ્વિટરને પત્ર લખ્યો હતો જેમાં ડીલ તૂટવા સંબંધી ધમકી આપી હતી. પત્રમાં લખ્યું હતું કે, કંપની ફેક એકાઉન્ટ્સ અને ટ્વિટર સ્પેમ સંબંધી જાણકારી ન આપીને કરારની શરતોનું ઉલ્લંઘન કરી રહી છે. જો આમ જ ચાલશે તો ડીલ તૂટી શકે છે.

રિપોર્ટ પ્રમાણે ટ્વિટર બોર્ડ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે, તે મસ્કને માઈક્રો બ્લોગિંગ સાઈટ પર દરરોજ પોસ્ટ કરવામાં આવતી લાખો ટ્વિટ્સ સાથે સંબંધીત આંતરિક ડેટાની એક્સેસ પ્રદાન કરશે. વેસબશ સિક્યોરિટીઝના એનાલિસ્ટ ડૈન ઈવેસે આ અંગેની ટ્વિટમાં લખ્યું હતું કે, 'આ હોટ બટન મામલે મસ્ક અને બોર્ડ વચ્ચે જે મુખ્ય સંઘર્ષ ચાલી રહ્યો છે તેને ખતમ કરશે, તેના લીધે જ સોદો અટકી પડ્યો છે.'  ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે જણાવ્યું કે, ટ્વિટર પર કોઈ પણ દિવસે સક્રિય ૫ ટકાથી ઓછા ખાતાઓ બોટ છે પરંતુ ઉપયોગકર્તાના ડેટાને ખાનગી રાખવાની જરૃરિયાતના કારણે તે વિશ્લેષણને બાહ્યરૃપે દોહરાવી ન શકાય.  ઉલ્લેખનીય છે કે, એલોન મસ્કે એપ્રિલ મહિનાના અંતમાં ટ્વિટરને ૪૪ બિલિયન ડોલરમાં ખરીદવાના સોદા માટે સહમતિ દર્શાવી હતી. જોકે ત્યાર બાદ મે મહિનાના મધ્યગાળા દરમિયાનથી તેમણે ફેક એકાઉન્ટ્સ અંગેના પ્રશ્નને પ્રમુખતાથી રજૂ કરવાનું શરૃ કરી દીધું હતું. તેમણે કહ્યું હતું કે, જો તેમના પ્રશ્નોનું સમાધાન નહીં થાય તો તેઓ કરાર રદ કરી શકે છે.

 

(8:22 pm IST)