Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

અમેરિકન સંસદના નીચલા ગૃહમાં ગન કંટ્રોલ બિલ પસાર

૨૨૩ સાંસદોએ બિલને સમર્થન આપ્યું જયારે ૨૦૪ સાંસદોએ બિલનો વિરોધ નોંધાવ્યો

અમેરિકન સંસદના નીચલા ગૃહમાં ગન કંટ્રોલ બિલ રજૂ થયું હતું. ૨૨૩ સાંસદોએ બિલને સમર્થન આપ્યું હતું. ૨૦૪ સાંસદોએ બિલનો વિરોધ નોંધાવ્યો હતો. નીચલા ગૃહમાં તો બિલ પસાર થયું હતું, પરંતુ ઉપલા ગૃહમાં બિલ પસાર થાય તેવી શક્યતા ઓછી છે. એવી સ્થિતિમાં અત્યારે કાયદો બનશે નહીં, પરંતુ નવેમ્બરમાં યોજાનારી સેનેટર્સની ચૂંટણીમાં એ મુદ્દો જરૃર બનશે.

અમેરિકામાં બફેલો, ન્યૂયોર્ક, ઉવાલ્દે અને ટેક્સાસમાં ફાયરિંગની ઘટનાઓ બની એ પછી અમેરિકામાં ગન કંટ્રોલનો મજબૂત કાયદો બનાવવાની માગણી ઉઠી હતી. અમેરિકાના પ્રમુખ જો બાઈડને કાયદો બનાવવાની જાહેરાત કર્યાના સપ્તાહ બાદ અમેરિકાના નીચલા ગૃહમાં ગન કંટ્રોલનું બિલ રજૂ થયું હતું. બિલની તરફેણમાં ૨૨૩ સાંસદોએ મત આપ્યો હતો. બિલની વિરોધમાં ૨૦૪ સાંસદોએ મતદાન કર્યું હતું. બિલમાં કેટલીક જોગવાઈઓ કરવાનો પ્રસ્તાવ રજૂ થયો છે. ગન ખરીદવા માટેની ઓછામાં ઓછી વય ૨૧ વર્ષ કરવાનો પ્રસ્તાવ છે. તો વળી, ૧૫ રાઉન્ડ ફાયર કરે એવી ગન પર પ્રતિબંધ મૂકવાની માગણી પણ થઈ છે.

આ બિલ નીચલા ગૃહમાં તો પસાર થઈ ગયું હતું, પરંતુ ઉપલા ગૃહમાં પસાર થાય એવી શક્યતા નહીંવત છે. ઉપલા ગૃહમાં મેન્ટલ હેલ્થ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રસ્તાવ મૂકાયો છે અને એવા પ્રોગ્રામ્સ શરૃ કરવાની ભલામણો સાંસદોએ કરી છે. ઉપલા ગૃહમાં ડેમોક્રેટિક પાર્ટી પાસે એટલું સંખ્યાબળ નથી કે બિલ પસાર થઈ જાય, પરંતુ નીચલા ગૃહમાં બિલ પસાર થયું છે તેની લાંબાંગાળે અસર થશે. ખાસ તો નવેમ્બરમાં યોજાનારી સેનેટર્સની ચૂંટણીમાં ગન કંટ્રોલનો મુદ્દો ડેમોક્રેટિક પાર્ટી ઉપાડશે. તેનાથી રિપબ્લિકન પાર્ટીને પણ તેમની વિચારધારામાં પરિવર્તન લાવવાની ફરજ પડશે. રિપબ્લિકન પાર્ટી સેલ્ફ ડિફેન્સ માટે ગન ખરીદવાની તરફેણની નીતિ ધરાવે છે.

(11:53 pm IST)