Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

એક વર્ષમાં ખાદ્યતેલમાં ૪૦ અને પેટ્રોલ - ડિઝલમાં ૨૫ ટકાનો ઉછાળો

માલનું ભાડુ અને કિંમતોએ મોંઘવારીના રાક્ષસને ધુણાવ્યો : સામાન્ય પ્રજા ત્રાહિમામ

નવી દિલ્હી તા. ૯ : ભારત સહિત વિશ્વભરના દેશોમાં મોંઘવારીની આગ ભડકે બળી રહી છે પરંતુ ભારતમાં કોમોડીટીના ભાવ અન્ય દેશોની સરખામણીમાં ખૂબ જ તેજીથી વધી ગયા છે. છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલોના ભાવોમાં અંદાજે ૩૦ થી ૪૦ ટકાની તેજી આવી છે. મોંઘવારી આ તેજી ઉત્પાદન ઘટવા અને અથવા માંગ વધવાથી આવી નથી પરંતુ માંગમાં ઘટાડો અને કિંમતમાં વધારાથી આવી છે.

ખાદ્યતેલ અને પેટ્રોલ - ડિઝલ ઉપરાંત રસોઇગેસના ભાવમાં પણ વધારો થયો છે તેની ચારેય બાજુનો માર ગ્રાહકોને પડી છે. મોંઘવારીના મામલે અમેરિકા, ચીન, રશિયા અને બ્રાઝીલમાં પણ આ સ્થિતિ છે પરંતુ ભારતમાં સ્થિતિ વધુ પડકારજનક છે. માંગ ઓછી હોવા છતાં મોંઘવારી વધવી વિશેષજ્ઞો માટે ચોંકાવનારૂ છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે સપ્લાય ચેઇનમાં મોંઘવારી વધવાનું એક મોટું કારણ હોય શકે છે. કોરોના ઉપરાંત પ્રાકૃતિક આપદા અને અન્ય કારણોથી સપ્લાય ચેઇન પર અસર પડે છે.

છેલ્લા એક વર્ષમાં દેશમાં પેટ્રોલ - ડિઝલની કિંમતમાં અંદાજે ૨૫ ટકાનો વધારો થયો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે તેનાથી પ્રત્યક્ષ રીતે મોંઘવારીમાં ૨.૫ ટકાનો વધારો થવો જોઇએ. પરંતુ આ સમયગાળામાં ભાડુ અંદાજે બેગણુ હોય છે. તેના કારણે મોંઘવારી ધાર્યા કરતા વધુ તેજીથી વધી છે. તેની અસર સામાન્ય માણસના ખીસ્સા પર પડશે.

વિશ્વ બેંકના આંકડા મુજબ વર્ષ ૨૦૨૦માં અમેરિકા, ચીન, રશિયા અને બ્રાઝીલમાં મોંઘવારી દરમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. જ્યારે ભારતમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. ભારતમાં મોંઘવારી દર વર્ષે ૨૦૧૯માં ચાર ટકાની નજીક હતી જે વર્ષ ૨૦૨૦માં વધી ૭ ટકાની નજીક પહોંચી છે.

(11:51 am IST)