Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મનસુખ માંડવિયા સામે બે પડકારો

૧૦૦ ટકા રસીકરણઃ ત્રીજી લહેરને રોકવી

નવી દિલ્હી, તા.૯: મનસુખ માંડવિયાએ ગુરૂવારે કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનો કાર્યભાર સંભાળી લીધો. સૌરાષ્ટ્રથી આવતા બીજેપી નેતા માંડવિયાએ ડો. હર્ષવર્ધનનું સ્થાન લીધું છે. દેશમાં કોરોના વાયરસ ના કહેરના કારણે હાલના સમયમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની મહત્વતા ઘણી વધી ગઈ છે. કાર્યભાર સંભાળતા જ મનસુખ માંડવિયાની સામે સૌથી મોટો પડકાર દેશમાં કોરોનાની ત્રીજી લહેર રોકવાનો છે.

કેન્દ્ર સરકારે કહ્યું છે કે તેઓ દેશમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આ વર્ષે ડિસેમ્બર સુધી કોરોનાની વેકસીન આપી દેશે. પરંતુ તેના માટે મનસુખ માંડવિયાને ખૂબ જ મહેનત કરવી પડશે. આ દરમિયાન વેકસીન સપ્લાય વધારવી પડશે ઉપરાંત વેકસીન સેન્ટરની સંખ્યામાં પણ વધારો કરવો પડશે. ખાસ કરીને દેશના ગ્રામ્ય અને આદિવાસી ક્ષેત્રોમાં તેમણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ત્યાંના લોકો સુધી સમયસર વેકસીન પહોંચી જાય. વેકસીનને લઈ હજુ પણ દેશના અનેક વિસ્તારોમાં લોકોના મનમાં સંદેહ છે. વેકસીનેશન અભિયાનમાં પ્રચારના માધ્યમથી સરકારે આ ગેરસમજોને દૂર કરવી પડશે.

મનસુખ માંડવિયાની સામે બીજો એક પડકાર હશે, કોરોનાના સંક્રમણની ઝડપને રોકવી. દેશના કેટલાક રાજયોમાં પોઝિટિવિટી રેટ હજુ પણ ઘણો વધારે છે. આ રાજયો છે. રાજસ્થાન, કેરળ, મણિપુર, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ. કેરળમાં ગત ૧૦ દિવસમાં કોરોનાના ૧૨ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. જેથી સરકારની ચિંતા વધી ગઈ છે.

માંડવિયાને કેમિકલ અને ફર્ટીલાઇઝર્સ મંત્રાલયનો પણ કાર્યભાર આપવામાં આવ્યો છે. કોરોનાના કારણે આ પણ અગત્યનું મંત્રાલય છે. ફાર્માસ્યૂટિકલ ડિપાર્ટમેન્ટ પણ આ મંત્રાલય હેઠળ આવે છે. જેથી તેમને દવાઓ અને વેકસીન નિર્માણ ઉપર પણ સતત નજર રાખવી પડશે.

(11:57 am IST)