Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ભારત સરકારે ચોખાની નિકાસ પર ૨૦ ટકા જકાત લાદી

સ્‍થાનિક બજારમાં વધી રહેલા ભાવને અંકુશમાં રાખવા

નવી દિલ્‍હી તા. ૯ : ચાલુ ખરીફ સીઝનમાં ચોખાનું વાવેતર ઘટવાની ચિંતા અને સ્‍થાનિક બજારમાં વધી રહેલા ભાવને અંકુશમાં રાખવા ભારત સરકારે વધુ એક મહત્‍વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારત સરકારે વિવિધ વેરાયટીના ચોખાની નિકાસ પર ૨૦ ટકા જકાત લાદી છે.
ડાંગરના સૌથી મોટા ઉત્‍પાદક રાજયો પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ચાલુ ચોમાસાની સીઝન દરમિયાન ઓછા વરસાદને કારણે આ ધાન્‍ય પાકનું વાવેતર ઓછું થયુ છે. જેના પરિણામે દેશમાં ચાલુ ખરીફ સીઝનમાં ચોખાના વાવેતર વિસ્‍તારમાં લગભગ ૫.૬ ટકા જેટલો ઘટાડો થયો છે. ખરીફ વાવેતર ઘટવાના પરિણામે ચોખાનું ઉત્‍પાદન ઓછું થવાની અટકળો વચ્‍ચે સ્‍થાનિક બજારમાં છેલ્લા ઘણા સમયથી  ભાવ વધી રહ્યા છે.
નાણા મંત્રાલયે ગુરુવારે એક નોટિફિકેશનમાં જણાવ્‍યું હતું કે, ચોખાની નિકાસ પર  ૯ સપ્‍ટેમ્‍બરથી ૨૦ ટકા જકાતની વસૂલાત કરવામાં આવશે. જેમાં પારબોઈલ્‍ડ અને બાસમતી ચોખા અથવા સેમા-માઇલ્‍ડ અથવા સંપૂર્ણ-માઇલ્‍ડ ચોખા પર પણ ૨૦ ટકાની નિકાસ જકાત લાગુ પડશે.
ચીન પછી ભારત દુનિયામાં ચોખાનો બીજો સૌથી મોટો ચોખા ઉત્‍પાદક દેશ છે અને ૪૦ ટકા હિસ્‍સો ધરાવે છે. દેશમાં બે સપ્‍ટેમ્‍બર, ૨૦૨૨ના રોજ સુધી ડાંગરનું કુલ વાવેતર ૫.૬ ટકા ઘટીને ૩૮૩.૯૯ લાખ હેક્‍ટર થયું છે, જે પાછલા વર્ષે સમીક્ષાધીન સમયગાળામાં ૪૦૬.૮૯ લાખ હેક્‍ટર હતું.
આ અગાઉ ભારત સરકારે સ્‍થાનિક બજારમાં અનાજની કિંમતોને કાબુમાં રાખવા માટે ઘઉંની નિકાસ પર મે મહિનામાં પ્રતિબંધ મૂક્‍યો હતો. આ ઘટના બાદથી જ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકાવાની કે નિકાસ પર ઉંચી જકાત લાદશે તેવી ભીંતિ વ્‍યક્‍ત કરવામાં આવી હતી જે છેવટે સાચી પડી છે.
છેલ્લા એકાદ સપ્તાહ દરમિયાન સ્‍થાનિક બજારમાં ચોખાની કિંમત ચારથી પાંચ ટકા સુધી વધી છે જેનું કારણ પડોશી બાંગ્‍લાદેશ દ્વારા ઇમ્‍પોર્ટ ડ્‍યૂટીમાં ઘટાડો છે. બાંગ્‍લાદેશે ચોખાની આયાત જકાત ૨૫ ટકાથી ઘટાડીને ૧૫.૨૫ ટકા કરી છે. આયાત જકાત ઘટતા બાંગ્‍લાદેશમાંથી માંગ વધવાની અપેક્ષા એ ભારતીય બજારમાં ચોખાના ભાવ વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશ, મધ્‍યપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને બિહારમાંથી બાંગ્‍લાદેશને ચોખાની નિકાસ કરાય છે, જે સાંભા મન્‍સૂરી, સોનમ અને કોલમ જેવી વિવિધ વેરાયટીના ચોખાની આયાત કરે છે.

 

(11:04 am IST)