Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ભેટમાં મળેલ સોનુ પણ નથી હોતુ ફ્રી

૧ વર્ષમાં ૫૦,૦૦૦ રૂપિયાથી વધુની ગીફટ મળી તો ટેક્ષ જવાબદારી બને : ચુકવવો પડી શકે છે ટેક્ષ


નવી દિલ્‍હી તા. ૯ : સોનાના ભાવ ભલેને ગમે તેટલા વધે કે ઘટે પણ ભારતીય લોકોમાં તેની ચમક અને આકર્ષણ કયારેય નથી ઘટતું. લગ્નના ઘરેણા ખરીદવાના હોય કે પછી રોકાણ કરવાનું હોય, લોકોમાં સોનાનું એક અલગ જ મહત્‍વ છે. દિકરીના લગ્ન હોય અથવા પત્‍નીનો જન્‍મદિવસ અથવા પછી ભવિષ્‍ય માટે રોકાણ કરવાનું હોય લોકો પ્રાથમિકતા સોનાને જ આપે છે. પણ જો અમે આપને કહીએ કે આ ગીફટસ જે લોકોને લોભાવે છે તે પોતાની સાથે ટેક્ષની મુશ્‍કેલીઓ પણ લાવે છે તો તમે શું કહેશો ? ભારતીય સંસ્‍કૃતિમાં સામાન્‍ય રીતે દરેક પ્રસંગે સોનાની ભેટ આપવાનો જાણે રિવાજ થઇ ગયો છે. કોઇના લગ્ન હોય, બર્થ ડે પાર્ટી અથવા પછી કોઇ ફેમીલી ફંકશન લોકો સોનાની ભેટ આપવાનું પસંદ કરે છે. તમને જાણીને નવાઇ લાગશે કે આ ભેટ ટેક્ષ ફ્રી નથી હોતી. ગીફટમાં મળેલ સોના પર પણ એક લીમીટ પછી ટેક્ષ લાગે છે અને જો તમે તે ના ચૂકવો તો તેને ટેક્ષચોરી માનવામાં આવશે.
નિષ્‍ણાંતોનું કહેવું છે કે, કેટલાક કિસ્‍સામાં ગીફટમાં મળેલ સોનુ ટેક્ષ ફ્રી હોય છે. જેમકે પરિવારના સભ્‍યોના લગ્ન, જન્‍મદિવસ જેવા પ્રસંગોએ ગીફટમાં મળેલ સોનાના ઘરેણા પર ટેક્ષ નથી લાગતો. એક પેઢીથી બીજી પેઢીને વારસામાં મળેલ સોનાના ઘરેણાં પર પણ ટેક્ષ નથી ચૂકવવો પડતો. પણ ભવિષ્‍યમાં જ્‍યારે પણ તમે તેને વેચો ત્‍યારે ટેક્ષ જરૂર ચૂકવવો પડશે.
નિષ્‍ણાંતોનું માનીએ તો આવા કિસ્‍સામાં લોંગ ટર્મ કેપીટલ ગેઇન ટેક્ષ ચૂકવવો પડે છે. કેપીટલ ગેઇન ટેક્ષની ગણત્રી કરવા માટે હોલ્‍ડીંગ પીરીયડને આધાર માનવામાં આવે છે. જે દિવસે સોનું ખરીદાયું હોય તે દિવસથી હોલ્‍ડીંગ પીરીયડ ગણવામાં આવે છે. ત્‍યારપછી ઘરેણાના વર્તમાન ભાવમાંથી ખરીદભાવને બાદ કરીને કેપીટલ ગેઇન કાઢવામાં આવે છે જેના પર ટેક્ષ ચૂકવવો પડે છે.
ફાઇનાન્‍સીયલ એકસપર્ટો જણાવે છે કે, લગ્નમાં મળેલ બધી ભેટ ટેક્ષ ફ્રી નથી હોતી. પરિવારની બહારથી મળેલ ભેટ એક લીમીટ પછી તમારા માટે ટેક્ષેબલ થઇ જાય છે. એક નાણાકીય વર્ષમાં ૫૦ હજાર રૂપિયા સુધીની કિંમતની ભેટ ટેક્ષ ફ્રી હોય છે. જો તમને એક વર્ષમાં ૫૦ હજાર રૂપિયાથી વધારેની ભેટ મળી હોય તો તમારે તેની કુલ કિંમત પર ટેક્ષ ચૂકવવો પડે છે.

 

(11:07 am IST)