Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

૩૦૦ કાર્ગો ટર્મીનલો ચાલુ થતા રેલ્‍વે ૩૦,૦૦૦ કરોડ વધારાના મેળવશે

નવી દિલ્‍હી, તા.૯: ૩૦૦ ગતિશકિત કાર્ગો ટર્મીનલો ચાલુ થયા પછી રેલ્‍વેને માલ પરિવહન સેવાથી ઓછામાં ઓછી વાર્ષિક ૩૦૦૦૦ કરોડ રૂપિયાની વધારાની આવકની આશા છે. સીનીયર અધિકારીઓએ ગુરૂવારે આ માહિતી આપી હતી.
કેન્‍દ્રિય મંત્રી મંડળે બુધવારે રેલ્‍વેની જમીનને લાંબા સમય માટે લીઝ પર આપવાની નીતિની સાથે સાથે આગામી ૫ વષોમાં ૩૦૦ ગતિ શકિત કાર્ગો ટર્મીનલ વિકસીત કરવાના પ્રસ્‍તાવને મંજૂરી આપી દીધી છે. આ ટર્મીનલોની સ્‍થાપનાથી ૩૦,૦૦૦ લોકોને પ્રત્‍યક્ષ અને ૯૦,૦૦૦ લોકોને અપ્રત્‍યક્ષ રોજગારીની તક મળશે.
અધિકારીએ કહ્યું કે આ ટર્મીનલો વિકસીત થવાની સાથે જ અમને નૂર ભાડાની આવક મળવાનું શરૂ થઇ જશે. એકવાર બધા ટર્મીનલો ચાલુ થઇ ગયા પછી રેલ્‍વેને લગભગ ૩૦ હજાર કરોડ રૂપિયાની વધારે આવક થશે.
કેન્‍દ્રિય દૂર સંચાર અને રેલ્‍વેપ્રધાન અશ્‍વિની વૈષ્‍ણવે ગુરૂવારે કેબીનેટના નિર્ણયોની માહિતી આપતા કહ્યું કે ડીસેમ્‍બર ૨૦૨૧માં કાર્ગો ટર્મીનલ નીતિની રજૂઆત પછી મંત્રાલયને બહુ સારો પ્રતિસાદ મળ્‍યો હતો.

 

(12:00 pm IST)