Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

કોંગ્રેસના નવા અધ્‍યક્ષ કોણ ???

રાહુલ ગાંધી અને અશોક ગેહલોતે ના પાડી દીધી છે ત્‍યારે હવે મુકુલ વાસનિકનું નામ આવ્‍યું રેસમાં

નવી દિલ્‍હી તા. ૯ : કોંગ્રેસના આગામી અધ્‍યક્ષ કોણ એ બાબતે સસ્‍પેન્‍સ હજુ ચાલુ જ છે. કોંગ્રેસ અધ્‍યક્ષ પદની રેસમાં  રાજસ્‍થાનના મુખ્‍ય પ્રધાન ગેહલોતનું નામ બોલાતું હતું જો કે તેઆ આ પદ સંભાળવાની ના પાડતા રહ્યા છે હવે કોંગ્રેસના કાર્યકારી અધ્‍યક્ષ સોનિયા ગાંધીએ મોટો નિર્ણય લીધો છે. કદાવર નેતા મુકલુ વાસનિકને મધ્‍ય પ્રદેશના પ્રભારી મહાસચિવની જવાબદારીઓમાંથી મુકત કરી દેવાયા છે. તેમની જગ્‍યાએ દિલ્‍હીના વિખ્‍યાત નેતા જે.પી. અગ્રવાલને મધ્‍ય પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે.

કોંગ્રેસ સંગઠનમાં થયેલ ફેરફારનો આદેશ કોંગ્રેસ મહાસચિવ કે.સી.દેણુગોપાલ દ્વારા જાહેર કરાયા છે. વેણુગોપાલે એક પત્ર લખીને કહ્યું, ‘‘કોંગ્રેસ અધ્‍યક્ષે પક્ષના મહાસચિવ મુકુલ વાસનિકને મધ્‍ય પ્રદેશના પ્રભારી તરીકેની તેમની વર્તમાન જવાબદારીઓમાંથી મુકત કરવાની તેમની વિનંતીનો સ્‍વીકાર કર્યો છે. જેથી તેઓ અન્‍ય સંગઠનાત્‍મક બાબતોની દેખરેખ રાખી શકે. કોંગ્રેસ અધ્‍યક્ષના આદેશ પર જયપ્રકાશ અગ્રવાલને તાત્‍કાલીક અસરથી મધ્‍ય પ્રદેશના પ્રભારી નિયુકત કરાય છે. મુકુલ વાસનિક કોંગ્રેસ મહાસચિવ તરીકે ચાલુ રહેશે.''

સમાચાર એજન્‍સી આઇએનએસ અનુસાર, કોંગ્રેસ અધ્‍યક્ષપદ માટે પ્‍લાન બી પર કામ કરી રહી ગેહલોતે ચુંટણી લડવાની ના પડયા પછી મુકુલ વાસનિકને ઉમેદવારી પત્ર ભરવા આગળ કરી શકાય છે. એક શકયતા એવી પણ છે કે તેમને મહાસચિવ (સંગઠન) બનાવાય. હાલમાં આ પદ રાહુલ ગાંધીના નજીકના કે.સી.વેણુગોપાલ પાસે છે. વાસનિકને સંગઠનનો બહોળો અનુભવ છે.

વાસનીક, ર૦૧૯ માં પક્ષમાં સુધારા માટે સોનીયા ગાંધીને પત્ર લખનાર જી-ર૩ નેતાઓમાંથી એક છે. રાહુલ ગાંધીએ પક્ષ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્‍યા પછી વાસનીક કેટલાક નેતાઓની પસંદગી હતા પણ સીડબલ્‍યુસીએ સોનિયા ગાંધીને કાર્યકારી અધ્‍યક્ષ બનાવવાનો નિર્ણય લીધો હતો.

(1:21 pm IST)