Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

રાહુલ ગાંધીએ પહેરી 41 હજારની ટી શર્ટ ?! ભાજપના આરોપ પર કોંગ્રેસનો પલટવાર : પીએમના 10 લાખના સૂટ સુધી વાત જશે

ભાજપનો દાવો છે કે આ ટી શર્ટ Burberry કંપનીની છે અને તેની કિંમત 41,257 રૂપિયા છે

નવી દિલ્હી : કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં ઉમટેલી ભીડને જોઇન ભાજપ આઇટી સેલ સક્રિય થયું છે, ભાજપ આઇટી સેલ તરફથી રાહુલ ગાંધીને એક ટી શર્ટને લઇને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોંગ્રેસે પણ ભાજપને જવાબ આપ્યો છે.

ભાજપના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી રાહુલ ગાંધીની એક તસવીર શેર કરવામાં આવી હતી જેમાં તે વ્હાઇટ રંગની ટી શર્ટ પહેરેલા જોવા મળે છે. ભાજપનો દાવો છે કે આ ટી શર્ટ Burberry કંપનીની છે અને તેની કિંમત 41,257 રૂપિયા છે.

રાહુલ ગાંધીની આ તસવીરને ખુદ કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યુ છે. મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર છે. આ યાત્રાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. તસવીર શેર કરતા કોંગ્રેસ તરફથી લખવામાં આવ્યુ- ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી Village Cooking Channelની ટીમને મળ્યા. યૂ ટ્યુબ પર આ ચેનલના આશરે 18 મિલિયન સબ્સક્રાઇબર્સ છે.

કોંગ્રેસ તરફથી શેર કરવામાં આવેલી તસવીરને ભાજપે શેર કર્યુ હતુ. આ સાથે જ તેમણે એક સ્ક્રીનશૉટ પણ શેર કર્યો હતો. જેમાં રાહુલ ગાંધીની ટી શર્ટ Burberryની ટી શર્ટથી બિલકુલ મળે છે. સ્ક્રીનશૉટમાં કહેવામાં આવ્યુ કે ટી શર્ટ Burberyy કંપનીની છે અને તેની કિંમત 41,257 રૂપિયા છે. તસવીર શેર કરતા ભાજપે લખ્યુ- ભારત, જુઓ!

ભાજપની આ પોસ્ટને શેર કરતા કોંગ્રેસે પણ પલટવાર કર્યો છે. કોંગ્રેસે ભાજપને ટેગ કરતા એક ટ્વિટ કર્યુ, લખ્યુ- અરે ગભરાઇ ગયા? ભારત જોડો યાત્રામાં ઉમટેલા જનસૈલાબને જોઇને. મુદ્દાની વાત કરો…બેરોજગારી અને મોંઘવારી પર બોલો. બાકી કપડા પર ચર્ચા કરવી છે તો મોદીજીના 10 લાખના સૂટ અને 1.5 લાખના ચશ્મા સુધી વાત જશે, જણાવો કરવી છે?

(6:12 pm IST)