Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

મહારાણીના નિધનથી બ્રિટનમાં 12 દિવસનો શોક: પાર્થિવદેહ 4 દિવસ સુધી અંતિમ દર્શન માટે રખાશે

અન્ય તમામ સંસદીય કામકાજ 10 દિવસ માટે સ્થગિત રહેશે. સાંસદો હાઉસ ઓફ કોમન્સમાં શ્રદ્ધાંજલિ આપશે.: વડાપ્રધાન અને કેબિનેટ નવા પ્રિન્સ સાથે જનતાને સંબોધન કરશે

નવી દિલ્હી :બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું નિધન થયું છે, તેમણે 6 ફેબ્રુઆરી 1952ના રોજ બ્રિટનનું શાસન સંભાળ્યું હતુ. ત્યારે તેમની ઉંમર માત્ર 25 વર્ષની હતી, ત્યારથી લઈને અત્યાર સુધી 70 વર્ષ તેમણે શાસન કર્યું. ગુરુવારે થયેલા તેમના મૃત્યુ પછી પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે.

શાહી પરંપરા અનુસાર, રાણી એલિઝાબેથના અંતિમ સંસ્કાર 10માં દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે.

સ્કોટલેન્ડના બાલ્મોરલ કેસલથી તેમના પાર્થિવ દેહને લંડન લાવવામાં આવશે. અહીં વેસ્ટમિંસ્ટર એબે ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમવિધિ સાથે જોડાયેલી પરંપરાઓ 12 દિવસ સુધી ચાલશે. મહારાણીને પ્રિન્સ ફિલિપની બાજુમાં દફનાવવામાં આવશે.

સ્કોટલેન્ડથી લંડન સુધીની મહારાણીની છેલ્લી યાત્રા
ક્વીન એલિઝાબેથનો પાર્થિવ દેહ સ્કોટલેન્ડના બાલ્મોરલ કેસલથી લંડનના બકિંગહામ પેલેસ પહોંચશે. ત્યાંથી તેને વેસ્ટમિન્સ્ટર હોલ લાવવામાં આવશે. આ દરમિયાન સૈન્ય પરેડ થશે. આ યાત્રામાં રાજવી પરિવારના સભ્યો પણ સામેલ થશે.
પાંચમા દિવસે પાર્થિવ દેહ વેસ્ટમિન્સ્ટર હોલમાં પહોંચશે

મહારાણીના મૃત્યુના બીજા દિવસે એટલે કે આજે ભારતીય સમય અનુસાર બપોરે 3.30 કલાકે સેન્ટ જેમ્સ પેલેસમાં રાજા ચાર્લ્સને નવા રાજા તરીકે જાહેર કરવામાં આવશે.
શોક સંદેશ પર સંમત થવા માટે સંસદની બેઠક મળશે. અન્ય તમામ સંસદીય કામકાજ 10 દિવસ માટે સ્થગિત રહેશે. સાંસદો હાઉસ ઓફ કોમન્સમાં શ્રદ્ધાંજલિ આપશે.
ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગે વડાપ્રધાન અને કેબિનેટ નવા પ્રિન્સ સાથે જનતાને સંબોધન કરશે.
સરકાર રાષ્ટ્રીય શોકના સમયગાળાની પુષ્ટિ કરશે. 12 દિવસનો રાષ્ટ્રીય શોક રહેશે.
વેસ્ટમિન્સ્ટર એબી, સેન્ટ પોલ કેથેડ્રલ અને વિન્ડસર કેસલમાં લગાવેલ મોટો ઘંટ વગાડીને શોક વ્યક્ત કરવામાં આવશે. મહારાણીને બંદૂકની સલામી આપવામાં આવશે.
હાઇડ પાર્કમાં રાણીના જીવનના દરેક વર્ષની યાદમાં 96 વખત ફાયર કરવામાં આવશે.
નવા રાજા દેશને ટીવી પર સંબોધન કરશે. તેઓ નવા રાજા તરીકે મહારાણીને શ્રદ્ધાંજલિ આપશે.
બીજા દિવસે મહારાણીનું તાબૂત બકિંગહામ પેલેસ પરત આવશે. તેમના પાર્થિવ દેહને બાલ્મોરલથી શાહી ટ્રેન અથવા વિમાન દ્વારા લંડન લઈ જવામાં આવશે. આ દરમિયાન બ્રિટિશ પીએમ અને કેબિનેટ પેલેસમાં હાજર રહેશે.
ત્રીજા દિવસે કિંગ ચાર્લ્સ યુનાઇટેડ કિંગડમની મુલાકાત લેશે. સ્કોટિશ સંસદથી શરૂઆત થશે. ત્યારબાદ તેઓ એડિનબર્ગમાં સેન્ટ ગિલ્સ કેથેડ્રલની મુલાકાત લેશે.
ચોથા દિવસે, મહારાણી એલિઝાબેથના મૃતદેહને બકિંગહામ પેલેસથી વેસ્ટમિન્સ્ટર હોલમાં લઈ જવા માટે રિહર્સલ કરવામાં આવશે.
મહારાણી એલિઝાબેથના પાર્થિવ દેહને પાંચમા દિવસે બકિંગહામ પેલેસથી વેસ્ટમિન્સ્ટર હોલમાં ખસેડવામાં આવશે.
છઠ્ઠા દિવસે અંતિમ સંસ્કારનું રિહર્સલ કરવામાં આવશે.
સાતમા દિવસે, કિંગ ચાર્લ્સ વેલ્સની સંસદમાં બીજી શોક પ્રસ્તાવ પ્રાપ્ત કરવા માટે વેલ્સ જશે. તેઓ કાર્ડિફમાં લિયાનડાફ કેથેડ્રલની પણ મુલાકાત લેશે.
10માં દિવસે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દેશભરમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવશે. વિન્ડસર કાસલ ખાતે સમારોહ બાદ કિંગ જ્યોર્જ VI મેમોરિયલ ચેપલમાં રાણીને દફનાવવામાં આવશે.
10મો દિવસ 'રાષ્ટ્રીય શોક દિવસ' હશે. જો તે દિવસે રજા ન હોય તો કંપનીઓ નક્કી કરી શકશે કે કર્મચારીઓને બોલાવવા કે નહીં.
પહેલા જ થઈ ગયુ હતુ ડી ડેનું પ્લાનિંગ
રાણીના મૃત્યુના દિવસે 'ડી ડે'નું સમગ્ર પ્લાનિંગ પહેલેથી જ થઈ ગયું હતું. વર્ષ 2021માં કેટલાક દસ્તાવેજો લીક થયા હતા, જેમાં અંતિમ સંસ્કારની તૈયારીઓનો સીક્રેટ પ્લાન હતો. ઓપરેશન લંડન બ્રિજ મુજબ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્લાનિંગ મુજબ રોયલ ફેમિલીની વેબસાઈટનું પેજ બ્લેક કરવામાં આવ્યું છે. મહારાણીના મૃત્યુ પછી 10 મિનિટની અંદર વ્હાઇટહોલના ધ્વજ અડધા ઝુકાવવાનો ઉલ્લેખ
આ ઓપરેશનમાં કરવામાં આવ્યો હતો. ઓપરેશન સ્પ્રિંગ ટાઇડમાં પ્રિન્સ ચાર્લ્સની તોજપાશીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

(11:42 pm IST)