Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

જેકી ચાનનો પુત્ર વર્ષો પૂર્વે ગાંજા સાથે ઝડપાયો હતો

ડ્રગ્સ સાથે સ્ટાર્સ પુત્રોનું કનેક્શન વિશ્વભરમાં પણ છે : ૨૦૧૪માં પુત્ર જેયસી પર ડ્રગ્સ સેવન કરવાનો આરોપ લાગતા જેકી ચાને પુત્રની હરકતો પર માફી માગી હતી

નવી દિલ્હીતા. : જે રીતે સુપર સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ડ્રગ્સ કેસમાં ઝડપાયો છે તે રીતે ચીનના સુપર સ્ટાર અને ભારતમાં આગવો ચાહક વર્ગ ધરાવતા જેકી ચાનનો પુત્ર પણ કેટલાક વર્ષો પહેલા રીતે પોલીસના હાથમાં ઝડપાયો હતો.

૨૦૧૪માં તેના પુત્ર જેયસી ચાન પર ડ્રગ્સ સેવન કરવાનો આરોપ લાગ્યો હતો. એક્ટર અને મ્યુઝિશિયન જેયસીની પોલીસે ધરપકડ કરી હતી. તેની પાસે ૧૦૦ ગ્રામ ગાંજો મળ્યો હતો. મેડિકલ ટેસ્ટમાં પણ વાત પૂરવાર થઈ હતી. તેની સાથે ૨૩ વર્ષીય અન્ય એક એક્ટર કાઈકોને પણ પકડવામાં આવ્યો હતો.

૨૦૧૫માં ચીનની કોર્ટ સમક્ષ જેયસીએ કબૂલાત કરી હતી કે, ઘણા સેલિબ્રિટી મારા એપાર્ટમેન્ટમાં ડ્રગ્સ લેવા આવતા હતા. જેયસીને મહિનાની જેલની સજા થઈ હતી. જેકી ચાને તે વખતે કહ્યુ હતુ કે, મારા પુત્રની હરકતોથી હું દુખી છું અને શરમ અનુભવી રહ્યો છું.

ઉલ્લેખનીય છે કે, જેકી ચેનને ૨૦૦૯માં ડ્રગ્સ વિરોધી અભિયાન માટે પોલીસે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા અને તેમનો પુત્ર ડ્રગ્સ સાથે પકડાતા તે હતાશ થઈ ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યુ હતુ કે, હું મારા પુત્રની હરકતો પર ગુસ્સે છું.

મને આશા છે કે, જેયસીના કિસ્સામાંથી યુવાઓ કંઈક શીખશે અને ડ્રગ્સથી દુર રહેશે. હું મારા પુત્રનો સારી રીતે ઉછેર નથી કરી શક્યો. હું સમાજની મારા વતી અને તેના વતી માફી માંગુ છું.

જેકી ચાને તો એક ઈન્ટરવ્યૂમાં પોતાની મિલકત પણ જેસીને નહીં આપવાની વાત કરીને કહ્યુ હતુ કે, તે જો જાતે પૈસા કમાવા લાયક હશે તો કમાઈ લેશે.

(7:12 pm IST)