Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

કોલ બ્લોક્સમાંથી કેન્દ્રએ લીધેલી 4,169 કરોડની વધારાની લેવી સામે છત્તીસગઢ સરકારે સુપ્રીમ કોર્ટમાં મોરચો ખોલ્યો

કેન્દ્ર પાસેથી ૨૪ ટકા વ્યાજ સાથે પરત માંગી : વારંવાર રિમાઇન્ડર અપાવવા છતાં કેન્દ્ર સરકાર નિષ્ફળ જતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો

નવી દિલ્હીઃ કોંગ્રેસ શાસિત છત્તીસગઢ સરકારે કેન્દ્ર સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં મોરચો ખોલ્યો છે. તેણે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કોલ બ્લોક મેળવનારાઓએ 4,169.68 કરોડની વધારાની લેવી સાથે છે, આ રકમ તેણે કેન્દ્ર પાસેથી ૨૪ ટકા વ્યાજ સાથે પરત માંગી છે.

છત્તીસગઢ સરકારે બંધારણના આર્ટિકલ 131 હેઠળ આ અરજી ફાઇલ કરી છે. તેના હેઠળ રાજ્યને સત્તા છે કે કેન્દ્ર સાથેના વિવાદના કોઈપણ કેસમાં તે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. સુપ્રીમ કોર્ટે 25 ઓગસ્ટ 2014ના રોજ આદેશ આપ્યો હતો કે કેન્દ્રએ 14 જુલાઈ 1993થી 31 માર્ચ 2011 સુધી 42 કોલ બ્લોકની કરેલી ફાળવણી રદ કરવામાં આવે. આ આદેશ 31 માર્ચ 2015થી અમલી બન્યો હતો. આમ છતાં પણ કોલ બ્લોક્સનું માઇનિંગ ચાલુ હતુ. તેના પછી કોલ ઇન્ડિયા લિમિટેડે બધી કોલસાની ખાણ તેના હસ્તક લઈ લીધી હતી.

સુપ્રીમ કોર્ટે ૪૨ કોલ બ્લોક્સની મેેળવનારાઓને જાહેર તિજોરીને થયેલી ખોટ પ્રતિ મેટ્રિક ટન કોલસાએ ૨૯૫ રુપિયાની વધારાની લેવી ભરવા પણ જણાવ્યું હતું. આ 42 કોલ બ્લોક્સમાંથી આઠ કોલ બ્લોક્સ છત્તીસગઢમાં આવે છે.

હવે આ આઠ કોલ બ્લોક્સને લાગે વળગે છે ત્યાં સુધી કેન્દ્ર સરકાર કાયદેસર રીતે ફરિયાદી છત્તીસગઢ સરકારને વધારાની લેવી પેટે 24 ટકા વ્યાજ સાથે વસૂલેલા 4,169.68 કરોડ પરત કરવા જવાબદાર છે. છત્તીસગઢ સરકાર દ્વારા વારંવાર રિમાઇન્ડર અપાવવા છતાં પણ કેન્દ્ર સરકાર તેમા નિષ્ફળ ગઈ છે. તેના પગલે છત્તીસગઢ સરકારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવો પડયો છે.

માઇન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ 1957 અને 2017માં સુપ્રીમ કોર્ટે કોમન કોઝ વિ. કેન્દ્ર સરકારના કેસમાં રાજ્યોને ભાડુ, રોયલ્ટી કે વેરો રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર પાસેથી વસૂલવાની સત્તા આપી છે. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે કેન્દ્રએ તેની પાસે સતત આ ભંડોળ જાળવી રાખ્યું છે અને તેને આપ્યું નથી. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે પ્રતિવાદી તેની પાસે પડેલું ભંડોળ 24 ટકા વ્યાજ સાથે પરત કરે તે માટે કેસ કરવામાં આવ્યો છે.

(12:09 am IST)