Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ઓસ્ટ્રેલિયન ઓપન પહેલા ઓસ્ટ્રેલિયાનો ટેનિસ સ્ટાર નીક કિર્ગીઓસ કોરોનાથી સંક્રમિત

મેચના કલાકો પહેલા જ કિર્ગીઓસનો કોરોનાનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો : તેણે સીડની ક્લાસિક ટુર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લીધું

સિડની : ઓસ્ટ્રેલિયન ઓપન અગાઉ જ ઓસ્ટ્રેલિયાનો ટેનિસ સ્ટાર નીક કિર્ગીઓસ કોરોનાથી સંક્રમિત થયો છે,તેણે સીડની ક્લાસિક ટુર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લીધું હતુ. હવે તે ૧૭મી જાન્યુઆરીથી શરૃ થઈ રહેલી ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે.

સીડની ક્લાસિકમાં કિર્ગીઓસને પ્રથમ મેચમાં ઈટાલીના ફાબિયો ફોગ્નીની સામે રમવાનું હતુ.

જોકે આ મેચના કલાકો પહેલા જ કિર્ગીઓસનો કોરોનાનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. તેણે ઈસ્ટાગ્રામ પર આ અંગેની જાહેરાત કરતાં લખ્યું કે, હું બધાની સાથે ખુલ્લા મનથી વાત કરવા ઈચ્છું છું. મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે, તેના કારણે જ હું સીડની ટુર્નામેન્ટમાંથી ખસી ગયો છું.

તેણે ઊમેર્યું કે, મારી હાલત ઘણી સારી છે અને મને કોરોનાના કોઈ લક્ષણો નથી. હું બધાને શુભેચ્છા પાઠવું છું. જો બધુ બરોબર ચાલશે તો હું ઓસ્ટ્રેલિયન ઓપનમાં ફરી તમને મળીશ. ૨૬ વર્ષનો કિર્ગીઓસ હાલ વર્લ્ડ રેન્કિંગમાં ૧૧૪મા સ્થાને છે. આમ છતાં વિવાદિત નિવેદનો કરવાને કારણે તે ચર્ચામાં રહેતો હોય છે. ઓસ્ટ્રેલિયામાં તેમજ વિશ્વમાં તેનો એક ખાસ ચાહક વર્ગ પણ છે.

(11:32 pm IST)