Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

અબુ ધાબીની કંપની લેન્‍સકાર્ટમાં ૫૦૦૦ કરોડનું રોકાણ કરી શકે છે

પિયુષ બંસલનો મોટો સોદો : લેન્‍સકાર્ટના સીઈઓ પિયુષ બંસલ દેશના પ્રખ્‍યાત બિઝનેસ શો શાર્ક ટેન્‍ક ઈન્‍ડિયા સીઝન-૨માં જજની ભૂમિકા ભજવી રહ્યા છે

નવી દિલ્‍હી તા. ૧૦ : લેન્‍સકાર્ટ, જે દેશની સૌથી મોટી ઓપ્‍ટિકલ બ્રાન્‍ડ બની ગઈ છે, તે $૫૦૦ મિલિયન (લગભગ રૂ. ૫૦૦૦ કરોડ) એકત્ર કરવાની ડીલ કરી શકે છે. આ ડીલ અબુ ધાબી ઈન્‍વેસ્‍ટમેન્‍ટ ઓથોરિટી થવા જઈ રહી છે, જેણે ભારતના આ આઈવેર સ્‍ટાર્ટઅપમાં હિસ્‍સો ખરીદવાની યોજના બનાવી છે. આ બાબતથી પરિચિત લોકોએ નામ ન આપવાની શરતે જણાવ્‍યું હતું કે અબુ ધાબીનું સોવરિન વેલ્‍થ ફંડ હાલના લેન્‍સકાર્ટ સ્‍ટોક્‍સ અને નવા શેર ખરીદવા માટેના કરારને અંતિમ સ્‍વરૂપ આપી રહ્યું છે.

અબુ ધાબી ઈન્‍વેસ્‍ટમેન્‍ટ ઓથોરિટી સાથેનો આ સોદો પૂરો થયા બાદ લેન્‍સકાર્ટનું મૂલ્‍ય ચાર અબજ ડોલરને વટાવી જશે. બ્‍લૂમબર્ગના રિપોર્ટ અનુસાર આ અઠવાડિયે આ ડીલની જાહેરાત થઈ શકે છે. પીયૂષ બંસલ દ્વારા સ્‍થપાયેલી કંપનીને ધ્‍ધ્‍ય્‍ એન્‍ડ કંપની, SoftBank Group Corp, Temasek Holdings Pte અને PremjiInvest જેવા રોકાણકારોનું સમર્થન છે.

લેન્‍સકાર્ટના સહ-સ્‍થાપક અને સીઈઓ પીયૂષ બંસલ છે અને તેમણે તેમના બે મિત્રો સાથે મળીને વર્ષ ૨૦૧૦માં આ સ્‍ટાર્ટઅપ શરૂ કર્યું હતું. લેન્‍સકાર્ટ ટેક્‍નોલોજી અને સપ્‍લાય ચેઈન ઓટોમેશન દ્વારા ગ્રાહકોને સીધા ચશ્‍મા અને કોન્‍ટેક્‍ટ લેન્‍સ વેચવાના વ્‍યવસાયમાં રોકાયેલ છે.

રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્‍યું છે કે આ ડીલને લઈને હજુ વાતચીત ચાલી રહી છે અને તેમાં કેટલાક ફેરફાર પણ જોવા મળી શકે છે. જો કે, અબુ ધાબી ઈન્‍વેસ્‍ટમેન્‍ટ ઓથોરિટી અને લેન્‍સકાર્ટ તરફથી કોઈ ટિપ્‍પણી જાહેર કરવામાં આવી નથી.

રિપોર્ટ અનુસાર, લેન્‍સકાર્ટના સીઈઓ પીયૂષ બંસલે ગયા વર્ષે જુલાઈ ૨૦૨૨માં કહ્યું હતું કે તેમની કંપની નફાકારક છે અને આગામી ૪૮ મહિનામાં આઈપીઓ લાવવાની યોજના બનાવી રહી છે. દિલ્‍હીથી અભ્‍યાસ પૂર્ણ કરનાર બંસલે કેનેડામાંથી ઉચ્‍ચ શિક્ષણ મેળવ્‍યું છે.

હાલમાં પીયૂષ બંસલ શોર્ક ટેન્‍ક ઈન્‍ડિયામાં જજની ભૂમિકામાં જોવા મળે છે. પ્રથમ સિઝનમાં પણ બંસલ જજની ભૂમિકામાં હતા. રિયાલિટી શો પર આધારિત આ શોને ઘણી લોકપ્રિયતા મળી રહી છે. આખા દેશમાંથી લોકો શાર્ક ટેન્‍ક ઈન્‍ડિયાના પ્‍લેટફોર્મ પર ફંડ એકઠું કરવા પહોંચતા હતા.

માઈક્રોસોફટમાં કામ કરતી વખતે તેણે એક નવું સ્‍ટાર્ટઅપ શરૂ કરવાનું વિચાર્યું અને ભારતમાં આવ્‍યા પછી તેણે તેના બે મિત્રો સાથે લેન્‍સકાર્ટની શરૂઆત કરી, આજે તેની ગણતરી દેશના અમીરોની યાદીમાં થાય છે. લેન્‍સકાર્ટના સીઈઓ પિયુષ બંસલ દેશના પ્રખ્‍યાત બિઝનેસ શો શાર્ક ટેન્‍ક ઈન્‍ડિયા સીઝન-૨માં જજની ભૂમિકા ભજવી રહ્યા છે.

(10:50 am IST)